<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

સૌરાષ્ટ્રમાં પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા એક હજાર પંચોતેર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ ઝડપી બન્યું

રાજકોટ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, સૌની યોજનાની પાઇપલાઇન નજીકના જળાશયોને નર્મદાના પાણીથી ભરવા માટે વિશેષ નિર્દેશ

રાજકોટ : સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં પીવાનાં અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી એક હજાર પંચોતેર કરોડ રૂપિયાના વિશાળ પ્રોજેક્ટ પર કામકાજ વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે.

જળસંપત્તિ અને જળવ્યવહાર વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરિસિંહ પટેલે સૌરાષ્ટ્રમાં પાણીની ઉપલબ્ધતા અને આગામી સમયની જરૂરિયાતોને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. રાજકોટ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં જળસંપત્તિ વિભાગ, સિંચાઈ વિભાગ અને સૌની યોજનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમંત્રીએ ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આગામી દિવસોમાં પીવાનાં અને સિંચાઈના પાણી માટે કોઈ અછત ન સર્જાય તે માટે અત્યારથી જ આગોતરી વ્યવસ્થાઓ ગોઠવી દેવા કડક સૂચનાઓ આપી હતી. તેમણે કુવાઓ અને બોરવેલ સહિતના પાણીના અન્ય તમામ સ્ત્રોતોને સક્રિય કરીને તેનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

મુખ્ય ઇજનેર એસ.વાઈ. મન્સૂરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ ઝોન-૩ હેઠળ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિત પાંચ જિલ્લાની ૩૯ તાલુકાઓ અને ૨,૨૧૯ ગામડાઓનો સમાવેશ થાય છે. આ તમામ ક્ષેત્રોની આશરે ૭૯ લાખ જેટલી વસ્તીને પાણી પૂરું પાડવા માટે ૭૧ ફિલ્ટર પ્લાન્ટ અને ૧૦,૮૫૪ કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નેટવર્ક કાર્યરત છે.

હાલની સ્થિતિએ ૧,૮૦૦થી વધુ ગામડાઓમાં નિયમિતપણે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને શુદ્ધ અને નિયમિત પીવાનું પાણી મળે તે માટે આશરે ૫૭૫ કરોડ રૂપિયાના ખર્ચે ૧૨ પ્રોજેક્ટ્સ અત્યારે પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ૪૯૯ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સંભવિત પાણીની અછતવાળા વિસ્તારો માટે રાજ્યમંત્રીએ વૈકલ્પિક કુવાઓનું નવિનીકરણ કરવા, પમ્પિંગ મશીનરીની ક્ષમતા વધારવા અને સૌની યોજનાની પાઇપલાઇન સાથે તાત્કાલિક જોડાણ મેળવવાના આદેશો આપ્યા છે. તેમણે ટેકનિકલ કારણોસર પાણી ન મળતા ગામોની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.

જુલાઈ ૨૦૨૭ સુધી પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠકમાં ભાદર, શેત્રુંજી અને મચ્છુ જેવા મુખ્ય જળાશયોના સંગ્રહ ક્ષમતા પર ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય ઇજનેર એસ.જી. પંડ્યાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળે અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં પીવાની તંગી ન સર્જાય તે માટે આગોતરી આયોજનબદ્ધ રણનીતિ ઘડવામાં આવી છે.

રાજ્યમંત્રીએ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ચાલી રહેલા નદી ઊંડી કરવાની કામગીરી, ડિસિલ્ટીંગ કાર્યો, પૂર સંરક્ષણ દીવાલો અને ચેકડેમ નિર્માણના કાર્યોની પણ સમીક્ષા કરી હતી તેમજ સૌની યોજનાની પાઇપલાઇનો નજીક આવેલા જળાશયોને નર્મદાના નીરથી જોડવાની મહત્વપૂર્ણ યોજનાઓ અંગે પણ સમીક્ષા હાથ ધરી હતી.

(6:51 PM IST)