<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

અમદાવાદમાં ચોમાસાની સિઝન સાથે જ મચ્છરજન્ય રોગચાળાએ અસહ્ય માથું ઊંચક્યું

મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું:કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન સાથે જ મચ્છરજન્ય રોગચાળાએ અસહ્ય માથું ઊંચક્યું છે, જેના કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલના ચાલુ માસમાં ડેન્ગ્યુના 496 કેસ, સાદા મેલેરિયાના 70 કેસ અને ઝેરી મેલેરિયાના 22 કેસ નોંધાયા છે. આ રોગચાળાને નિયંત્રણમાં લાવવા અને અટકાવવા માટે હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીના માર્ગદર્શન હેઠળ વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની જગ્યાઓ શોધીને તેને નાબૂદ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

બિનઉપયોગી પાણી ભરાઈ ન રહે અને મચ્છરોનું બ્રીડિંગ ન થાય તે માટે નાગરિકોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ઘરોની આસપાસ કુંડા, પક્ષીઓના પાણીના પાત્રો કે ટેરેસ પર સ્ક્રેપ મટીરિયલ્સમાં પાણી જમા ન થવા દેવા અપીલ કરાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરીને સેપ્ટ યુનિવર્સિટી સહિત અનેક જગ્યાએ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

(9:57 PM IST)