<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

અમદાવાદ ડ્રગ્સ કેસમાં 'ઓપરેશન ઈગલ ટ્રેપ' સફળ: કરોડોના હેરોઈન સ્મગ્લિંગનો મુખ્ય સૂત્રધાર તમિલનાડુથી ઝડપાયો

૬.૮૨ કિલો હેરોઈન જપ્તી કેસના તાર છેક દક્ષિણ ભારત સુધી લંબાયા; DRI અને કસ્ટમ્સની સંયુક્ત કાર્યવાહીમાં પનીર સિંગરવેલુની ધરપકડ, ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અમદાવાદ લવાયો

અમદાવાદ, : અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓએ કમર કસી છે. તાજેતરમાં ઝડપાયેલા કરોડો રૂપિયાના હેરોઈન કેસમાં કસ્ટમ્સ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ને મોટી સફળતા મળી છે. "ઓપરેશન ઈગલ ટ્રેપ" હેઠળ તપાસનો ધમધમાટ તેજ કરતા આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધાર પનીર સિંગરવેલુને તમિલનાડુના કુડ્ડલોર ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડ ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે મોટો ફટકો માનવામાં આવે છે.

સપ્લાય ચેઈનનો પર્દાફાશ:

અમદાવાદમાં થયેલી ૬.૮૨ કિલો હેરોઈનની જપ્તી બાદ એજન્સીઓ સતત આ માલ ક્યાંથી આવ્યો અને કોને મોકલવાનો હતો તેની તપાસ કરી રહી હતી. પનીર સિંગરવેલુ આ સમગ્ર સ્મગ્લિંગ રેકેટમાં કિંગપિન હોવાનું અને તે સપ્લાય ચેઈનમાં મહત્વની કડી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીને તમિલનાડુની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે.

ચોંકાવનારા ખુલાસાની શક્યતા:

અમદાવાદ લાવ્યા બાદ આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પનીરની પૂછપરછમાં ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી છૂપી પદ્ધતિઓ અને નાણાકીય લેવડદેવડ (હવાલા નેટવર્ક) અંગેના અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તેની પ્રાથમિક પૂછપરછમાં અન્ય કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓના નામ પણ ખૂલ્યા છે, જેઓ આ માદક પદાર્થોના કારોબારમાં સંડોવાયેલા હોઈ શકે છે.

ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના સંકલનથી અત્યારે આખું ઓપરેશન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. તપાસનીશ એજન્સીઓ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ હેરોઈનનો જથ્થો કયા દેશમાંથી આવ્યો હતો અને તેનું અંતિમ ગંતવ્ય સ્થાન કયું હતું. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા માથાઓની ધરપકડ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓના નેટવર્ક પર લગામ કસી શકાશે.

 

(11:59 PM IST)