News of Wednesday, 9th September 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા : જુઓ વિડીયો
HPV રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને : કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વધુ ૨.૭૨ લાખ ડોઝ ફાળવાયા : ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દર મહિને ૧૪ વર્ષ પૂર્ણ કરતી દીકરીઓને વિનામૂલ્યે અપાશે સુરક્ષા કવચ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યની દીકરીઓના સુદૃઢ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સ્ત્રીઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે કિશોરીઓને સુરક્ષિત રાખવાના હેતુથી ગત ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં રાજ્યભરની ૬ લાખથી પણ વધુ દીકરીઓને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે, તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રવ્યાપી સંકલ્પ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે HPV રસીકરણના આ અભિયાનમાં સમગ્ર દેશમાં અગ્રેસર કામગીરી દાખવી છે. ગુજરાતની આ નોંધપાત્ર સફળતા અને કામગીરીને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને વધુ ૨,૭૨,૦૦૦ HPV રસીના ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ વિશેષ અભિયાન હેઠળ આગામી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં દર મહિને ૧૪ વર્ષ પૂરાં કરતી તમામ કિશોરીઓને રસીકરણનો લાભ આપવામાં આવશે.
વધુ વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ રસીકરણ સેવા રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો, જિલ્લા અને પેટા-જિલ્લા હોસ્પિટલો તેમજ તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં આટલા મોટા પાયે રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં આડઅસરનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી, જે આ રસીની શ્રેષ્ઠ ગુણવત્તા, સંપૂર્ણ સલામતી અને ઉત્તમ અસરકારકતાની સાબિતી આપે છે.
આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ વાલીઓને ખાસ અપીલ કરી હતી કે, પોતાની ૧૪ વર્ષની દીકરીઓને નિરોગી અને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈને સર્વાઇકલ કેન્સર સામેનું આ સુરક્ષા કવચ અવશ્ય અપાવે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
