<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

પૂ. મોરારિબાપુ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રના ગોઝારા અકસ્માતોમાં જીવ ગુમાવનારા ૨૧ મૃતકોના પરિવારોને કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ ની સંવેદના સહાય અર્પણ

વડોદરા પાસેના અકસ્માતમાં ૭ અને મહારાષ્ટ્રના પંઢરપુર માર્ગ પર ખટારો કૂવામાં ખાબકતા રાંજણી ગામના ૧૪ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા : રામકથા શ્રોતાઓના સહયોગથી મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત પ્રત્યેક પરિવારને આર્થિક મદદ મોકલાઈ

તલગાજરડા:ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનેલી બે અલગ અલગ ગમખ્વાર દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા ૨૧ લોકોના પરિવારોને પૂ. મોરારિબાપુ દ્વારા આર્થિક મદદ અને સાંત્વના પાઠવવામાં આવી છે. પૂ. મોરારિબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ ની સંવેદના સહાય અર્પણ કરી છે.
રાજ્યમાં કે અન્યત્ર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં ચિત્રકૂટધામ તલગાજરડા અંતર્ગત પૂ. મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે સંવેદના સહાયતા અર્પણ થતી રહે છે. આ પરંપરા મુજબ તાજેતરમાં બંને રાજ્યોમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતોમાં ભોગ બનેલા લોકોના પરિવારોને પણ તેમણે આર્થિક ટેકો પૂરો પાડી શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પહેલો અકસ્માત ગુજરાતમાં વડોદરા પાસે સર્જાયો હતો. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલા પ્રવાસીઓને નડેલા આ અકસ્માતમાં ૭ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે બીજી દુર્ઘટના મહારાષ્ટ્રમાં પંઢરપુર માર્ગ પર તાંદુળપુર પાસે બની હતી. અહીં મુસાફરો ભરેલો એક ખટારો કૂવામાં ખાબકતાં તેમાં બેસેલાં રાંજણી ગામની ૧૪ વ્યક્તિઓના કરૂણ મરણ નિપજ્યા હતા.
આ બંને દુર્ઘટનાઓના મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભોગ બનનાર તમામ ૨૧ વ્યક્તિઓના પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ ની આર્થિક મદદ કરવામાં આવી છે. અકસ્માતોમાં અપાતી આ સંવેદના સહાયતા જે તે પરિવારોને મુખ્યમંત્રી રાહત ભંડોળ અંતર્ગત રામકથા શ્રોતા ભાવિકોના સૌજન્યથી મોકલાવી દેવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(10:57 AM IST)