News of Wednesday, 8th July 2026
સુરતના બમરોલીમાં પૂરના પાણીમાં ફસાયેલા ૧૦૦ લોકો માટે પાંડેસરા પીઆઈ કે.ડી. જાડેજાની ટીમ અને NDRF દેવદૂત બની : નવજાત શિશુ અને સગર્ભાઓ સહિતના રહિશોનું દિલધડક રેસ્ક્યૂ : જુઓ વિડિયો
લક્ષ્મી હોમ્સ સોસાયટીમાં ગઈકાલથી ભરાયેલા વરસાદી પાણી વચ્ચે જીવના જોખમે ફસાયેલા લોકોને પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજા અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી હોડીઓ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડ્યા

રાજકોટ: દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદને પગલે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બમરોલીના લક્ષ્મી હોમ્સ પરિસરમાં ગઈકાલથી જ ભારે વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીનું સ્તર સતત વધવાના લીધે સોસાયટીના અંદાજે ૧૦૦ જેટલા રહિશો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા અને બહાર નીકળી શકતા ન હતા. સોસાયટીમાંથી મદદ માટેના તારૂણ સંદેશાઓ અને મેસેજ મળતા જ સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.
ઘટનાની ગંભીરતા સમજીને પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજા અને તેમનો પોલીસ સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગયો હતો. પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધારે હોવાના કારણે તાત્કાલિક ધોરણે એનડીઆરએફ (NDRF) ની ટીમને બોલાવવામાં આવી હતી. પાંડેસરા પોલીસ અને એનડીઆરએફની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને હોડીઓ અને જરૂરી સાધનોની મદદથી અત્યંત પ્રશંસનીય અને સમયસૂચક કામગીરી શરૂ કરી હતી.
આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ટીમે ભારે જહેમત ઉઠાવીને સોસાયટીમાં ફસાયેલા તમામ ૧૦૦થી વધુ લોકોને એકપછી એક કરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ બચાવ કામગીરીની સૌથી મોટી અને સંવેદનશીલ બાબત એ હતી કે, રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં ૨ સગર્ભા (પ્રેગ્નેન્ટ) મહિલાઓ, ૨ અત્યંત વૃદ્ધ મહિલાઓ તેમજ ૨ ગંભીર રીતે બીમાર મહિલાઓ પણ સામેલ હતી. આ ઉપરાંત એક મહિલા પોતાના માત્ર ૨૫ દિવસના નવજાત બાળક સાથે ઘરમાં ફસાયેલી હતી, જેનું પોલીસે અત્યંત કાળજીપૂર્વક સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. આ તમામ અસહાય લોકોને સમયસર હોડી મારફતે બહાર લાવીને સલામત સ્થળે આશરો આપવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજાની ટીમ અને એનડીઆરએફના જવાનોની આ ત્વરિત અને માનવતાવાદી કામગીરીને લક્ષ્મી હોમ્સના સ્થાનિક રહિશોએ મુક્ત કંઠે બિરદાવી છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
