News of Tuesday, 2nd June 2026
સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં RTI અને બોગસ પત્રકારોના નામે હેરાનગતિ મુદ્દે ‘પાર્ટ-2’ અભિયાન શરૂ થશે: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત
સંકલન બેઠકમાં ધારાસભ્યો મનુ પટેલ અને સંદીપ દેસાઈએ ઉઠાવ્યો મુદ્દો; SOGને તપાસ સોંપાઈ, શંકાસ્પદ તત્વોની યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ

સુરતના ઉધના, પાંડેસરા, ભેસ્તાન અને સચિન ઔદ્યોગિક વિસ્તારોમાં ઉદ્યોગકારો અને સરકારી અધિકારીઓને RTI અરજીઓ તેમજ બોગસ પત્રકારત્વના નામે હેરાનગતિ અને દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત બાદ સુરત શહેર પોલીસ ફરી એકવાર એક્શનમાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં યોજાયેલી સંસદ સભ્યો અને ધારાસભ્યોની સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠતા સમગ્ર મામલાની તપાસ SOGને સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ તથા ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય સંદીપ દેસાઈએ સંકલન બેઠક દરમિયાન ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાક તત્વો દ્વારા RTI અને પત્રકારત્વના નામે સરકારી અધિકારીઓ તથા ઉદ્યોગકારોને હેરાન કરવામાં આવતાં હોવાની ફરિયાદ કરી હતી. સાથે જ પાણીના ગેરકાયદે વેપલા અને ટેન્કર માફિયાઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
આ રજૂઆતને ગંભીરતાથી લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમને તપાસની જવાબદારી સોંપી છે. SOGની ટીમ દ્વારા મહાનગરપાલિકા, GIDC, GPCB સહિત વિવિધ સરકારી કચેરીઓમાંથી RTI અરજદારો અને શંકાસ્પદ બોગસ પત્રકારોની વિગતો એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ધારાસભ્ય અરવિંદ રાણાએ આવી જ ફરિયાદ સંકલન બેઠકમાં રજૂ કરી હતી. ત્યારબાદ પોલીસે વ્યાપક અભિયાન ચલાવી અનેક શંકાસ્પદ તત્વો સામે કાર્યવાહી કરી હતી. હવે ફરી એકવાર મળેલી રજૂઆતોના આધારે ‘પાર્ટ-2’ અભિયાન શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન જો કોઈ વ્યક્તિ RTI અથવા પત્રકારત્વના નામે દબાણ કરી ઉઘરાણી, બ્લેકમેઈલિંગ કે ગેરકાયદેસર લાભ મેળવતી હોવાનું સામે આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. SOG દ્વારા વિવિધ વિભાગોમાંથી માહિતી એકત્ર કરી સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીથી ઔદ્યોગિક વિસ્તારોમાં ઉદ્યોગકારો અને સરકારી અધિકારીઓને હેરાન કરતી પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ પત્રકારત્વની છબીને નુકસાન પહોંચાડતા બોગસ તત્વો સામે કડક કાર્યવાહી થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
