<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસમાં AC ફેલ થતા વડોદરામાં મુસાફરોનો હોબાળો : ટ્રેન અટકાવી વિરોધ પ્રદર્શન

અમદાવાદથી જ 'સિક' કોચ બદલાયા બાદ નવા કોચમાં પણ ખામી સર્જાતા મુસાફરો અટવાયા : સુરત સ્ટેશને સ્પેશિયલ કોચ જોડી યાત્રીઓને રવાના કરાયા : ટ્રેન મોડી પડતા હાલાકી

વડોદરા: અમદાવાદથી મુંબઈ જતી પ્રતિષ્ઠિત શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં બુધવારે સાંજે એસી ફેલ થવાની ઘટનાને પગલે વડોદરા સ્ટેશન પર ભારે હોબાળો મચ્યો હતો. ટ્રેન નંબર 12010 શતાબ્દી એક્સપ્રેસના C/1 કોચમાં ઠંડક બંધ થઈ જતાં મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરી ટ્રેનને આગળ વધતી અટકાવી દીધી હતી, જેના કારણે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
અમદાવાદથી જ ખામીયુક્ત કોચ જોડાયો હોવાનો ઘટસ્ફોટ:
આ ઘટનાની ચોંકાવનારી વિગત એ છે કે, અમદાવાદ સ્ટેશન પર જ મૂળ C/1 કોચને મિકેનિકલ સમસ્યાના કારણે ‘સિક’ જાહેર કરીને હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, તેની જગ્યાએ જે નવો કોચ જોડવામાં આવ્યો હતો તેમાં પણ શરૂઆતથી જ એસી કામ કરી રહ્યું નહોતું. ટ્રેન વડોદરા પહોંચી ત્યાં સુધીમાં ગરમીથી પરેશાન મુસાફરોની ધીરજ ખૂટી ગઈ હતી. કોચમાં તૈનાત ટીટીઈ ઓપી શર્માએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે મુસાફરો વિરોધ કરી રહ્યા છે અને ટ્રેનને આગળ વધવા દઈ રહ્યા નથી.
સુરત સ્ટેશને નવો કોચ જોડી વ્યવસ્થા કરાઈ:
મુંબઈ સેન્ટ્રલના ઈલેક્ટ્રિક અને આરએસી કંટ્રોલ વિભાગના જણાવ્યા અનુસાર, વડોદરામાં સમજાવટ બાદ ટ્રેન સાંજે 5:27 વાગ્યે રવાના થઈ શકી હતી. ત્યારબાદ રેલવે પ્રશાસન દ્વારા સુરત સ્ટેશન પર અગાઉથી જ વિશેષ કોચની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સુરત પહોંચતા જ ખામીયુક્ત કોચના 70 મુસાફરોને નવા કોચમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા માટે 30 લાઇસન્સ ધરાવતા સહાયકોની મદદ લેવાઈ હતી, જેઓએ મુસાફરોનો સામાન ખસેડવા અને માર્ગદર્શન આપવાનું કામ કર્યું હતું. તમામ વ્યવસ્થા બાદ ટ્રેન રાત્રે 7:14 વાગ્યે સુરતથી રવાના થઈ હતી.
બાળકીને માતા સુધી પહોંચાડવામાં વિલંબ:
આ અંધાધૂંધી દરમિયાન માનવીય સંવેદનાની એક ઘટના પણ બની હતી. એક વર્ષની માસૂમ બાળકી જે તેના સંબંધીઓ સાથે C/8 કોચમાં હતી, તેને અન્ય કોચમાં રહેલી તેની માતા સુધી પહોંચાડવામાં ભારે ભીડ અને અફરાતફરીને કારણે ઘણો સમય લાગ્યો હતો. રેલવેની ટેકનિકલ બેદરકારીને કારણે મુસાફરોએ કલાકો સુધી સ્ટેશનો પર અટવાઈ રહેવું પડ્યું હતું.

(12:53 PM IST)