News of Friday, 24th July 2026
અમદાવાદમાં વરસાદના ખમૈયા બાદ અમુક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયેલા મકરબામાં લોકોએ શાળામાં આશરો લીધોઃ ૧ હજારથી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ, તા. ર૪: શહેરમાં ભારે વરસાદે મકરબા પોલીસ હેડક્વાર્ટર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ રોકાયાના કલાકો બાદ પણ ગટરોના પાણી પાછા આવતા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયેલા છે.
વાહનો ડૂબી જવાના અને રસ્તાઓ બંધ થવાના કારણે સાણંદ, ચાંગોદર અને સરખેજથી આવતા નોકરિયાત વર્ગ અને રાહદારીઓ રસ્તામાં જ અટવાયા છે. એટલું જ નહીં, મકરબા ઈન્દિરાનગર જેવા વિસ્તારોમાં ૧૦૦૦થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિકોને સરકારી શાળામાં આશરો લેવાની નોબત આવી છે.
ચોમાસામાં જ ખોદી નંખાયેલા રસ્તાઓ અને નિષ્ફળ પ્રી-મોન્સૂન કામગીરીથી ત્રસ્ત પ્રજા હાલાકી ભોગવી રહી છે, ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં ચુંટાયેલા લોકો ફરકતા પણ ન હોવાથી લોકોમાં સત્તાધીશો અને તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
સ્થાનીકોએ રોષ ઠાલવતા જણાવેલ કે, સાણંદ જીઆઇડીસીથી નોકરીથી આવ્યો છું અને ઘરે જાવ છું. ગઈકાલે વરસાદના કારણે નીકળી શકાય તેમ ન હોવાથી હું સાણંદ જ રોકાઈ ગયો હતો. મને હતું કે સવારે પાણી ઓછું થશે તો નીકળીશ, પણ અત્યારે કયાંય નીકળાય એવી પરિસ્થિતિ જ નથી.
દુકાને જતા એક મહિલાએ કહ્યું કે, મારે અત્યારે દુકાને જવાનું હતું પણ દુકાનની સામે બહુ પાણી ભરાયા છે. પાણીના કારણે રસ્તાઓ બંધ છે અને અમને કોઈ સુવિધા મળતી નથી, એટલે કેવી રીતે જવું એ વિચારીને અમે અટવાયા છીએ. અમારા વિસ્તારમાં આ સમસ્યા ઘણા વર્ષોથી છે.
મકરબા ઇન્દિરાનગરના એક રહીશે જણાવ્યું કે, શ્નહું મકરબા ઇન્દિરાનગરમાં છેલ્લા આઠ વર્ષથી રહું છું અને વર્ષોથી આ સમસ્યા જોઉં છું. આ આખા પટ્ટામાં ૧૦૦૦થી ૧૨૦૦ જેટલા ઘર છે અને બધે ખૂબ પાણી ભરાયેલું છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેથી બધાને ખાવા-પીવાની બહુ જ તકલીફ પડી રહી છે. સરખેજથી પ્રહલાદનગર જતા મકરબા રૂરલ પોલીસ હેડક્વાર્ટરે ફસાયેલા વ્યકિતએ કહ્યું કે, હું સરખેજથી આવું છું અને મારે પ્રહલાદનગર જવું છે. રસ્તા બધા બ્લોક છે અને હું ફરી ફરીને અહીં આવી તો અહીં પણ પાણી ભરાયેલા છે અને ગટરો ઉભરાય છે. એક પણ રસ્તો સારો નથી, વરસાદ તો બધે હોય પણ રસ્તા તો હોવા જોઈએ ને! આ લોકોએ ચોમાસામાં જ બધી બાજુ રસ્તા ખોદી નાખ્યા છે, બાકી ચોમાસામાં આવું કામ કરવાનું ન હોય જેનાથી બધાયને હેરાનગતિ થાય છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
