News of Wednesday, 15th April 2026
ચૂંટણીનું આજે થશે ચિત્ર સ્પષ્ટઃ૩ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે
ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે આજે ઉમેદવારોના અંતિમ ચિત્ર પર સૌની નજર ટકેલી

અમદાવાદ,તા.૧૫: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે આ બધાની વચ્ચે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાને કારણે સમગ્ર રાજકીય દ્રશ્ય વધુ સ્પષ્ટ બનવાનું છે. વિગતો મુજબ બપોરે ૩ વાગ્યા સુધી ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચી શકશે, ત્યારબાદ મોડી રાત સુધીમાં દરેક બેઠક માટેની અંતિમ સ્થિતિ સામે આવી જશે.
આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની આશરે ૧૦ હજાર જેટલી બેઠકો માટે સ્પર્ધા છે. ૨૬ એપ્રિલે યોજાનારી આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પહેલાથી જ જોરદાર પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે આજે ઉમેદવારોના અંતિમ ચિત્ર પર સૌની નજર ટકેલી છે.
આ દરમિયાન રાજકીય કૌશલ્ય અને ગતિશીલતા પણ જોવા મળી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે વિશેષ વ્યૂહરચના અપનાવવામાં આવી છે. પક્ષાંતર અથવા દબાણની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કેટલાક ઉમેદવારોને ગુપ્ત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાની ચર્ચા છે. ઘણા ઉમેદવારોના ફોન બંધ હોવા અને તેમની વાડાબંધી જેવી સ્થિતિ રાજકીય વાતાવરણને વધુ રસપ્રદ બનાવે છે.
બીજી તરફ ભાજપ વધુમાં વધુ બેઠકો બિનહરીફ જીતવા માટે પ્રયાસરત હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી પણ પોતાની હાજરી મજબૂત બનાવવા માટે સક્રિય બની છે. ત્રણેય મુખ્ય પક્ષો વચ્ચે જંગ જેવી સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે. આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ચૂંટણીનું અસલી ચિત્ર બહાર આવશે અને ત્યારબાદ મતદારો માટે વિકલ્પો સ્પષ્ટ બનશે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
