News of Monday, 8th June 2026
વલસાડમાં પિઝા ડિલિવરી બોય માનવ રાજુભાઈ પટેલનો ૧૩મા માળેથી કૂદીને આપઘાત: સીસીટીવીમાં કેદ થઈ છેલ્લી ૧૦ મિનિટની હૃદયદ્રાવક ઘટના, આર્થિક સંકડામણને લીધે પરિવારના એકમાત્ર કમાઉ દીકરાએ જીવતર ટૂંકાવતા અરેરાટી

વલસાડ: વલસાડના તિથલ રોડ સ્થિત સરદાર હાઇટ્સ (દમણગંગા વિંગ) બિલ્ડિંગમાં રવિવારે બપોરે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. સુઘડ ફળિયા (શહીદ ચોક) ના રહેવાસી અને ડોમિનોઝ પિઝામાં ડિલિવરી બોય તરીકે કામ કરતા ૨૨ વર્ષીય માનવ રાજુભાઈ પટેલે બિલ્ડિંગના ૧૩મા માળેથી મોતની છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઊંચાઈ પરથી પટકાવવાના કારણે યુવકને માથા અને આખા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
લોહીલુહાણ લાશ જોઈને માતા સંગીતાબેન, કાકા રાહુલભાઈ અને કાકી જાગૃતિબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આશરે દોઢ વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવનાર આ પરિવારમાં માનવ વિધવા માતા અને ૧૫ વર્ષની બહેનનો એકમાત્ર આર્થિક સહારો હતો. ભણવામાં હોશિયાર માનવે ૧૦ પાસ અને આઇટીઆઇ કર્યા બાદ પિતાની બીમારીને કારણે અભ્યાસ છોડી દીધો હતો. પરિવાર ચલાવવા તે સવારે કાકા સાથે બરફનો વેપાર અને બપોરે પિઝા ડિલિવરી એમ રાત-દિવસ કાળી મજૂરી કરતો હતો. વિદેશ જવાના સપના જોતો માનવ કોઈ લોન અને ફાઈનાન્સિયલ ટેન્શનના કારણે આ પગલું ભરી બેઠો હોવાની કાકાએ આશંકા વ્યક્ત કરી છે.
બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં આત્મહત્યા પહેલાની ૧૦ મિનિટ કેદ થઈ છે. બપોરે ૧:૧૪ વાગ્યે ૧૩મા માળે પહોંચેલો માનવ લોબીમાં આંટા મારતો, મોબાઇલમાં કંઈક ટાઈપ કરતો અને ટી-શર્ટથી પરસેવો લૂછતો નજરે પડે છે. ૧૦ મિનિટના ભારે માનસિક મંથન બાદ મોબાઈલ નીચે મૂકીને તેણે મોતની છલાંગ લગાવી દીધી હતી. હાલ વલસાડ સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ચોક્કસ કારણ જાણવા કાયદેસરની તપાસ હાથ ધરી છે.*
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
