News of Saturday, 10th October 2026
સુરતમાં પ્રી-નવરાત્રિમાં ગીતા રબારીના તાલે ખેલૈયાઓ ઘેલા થયા: ગ્રાઉન્ડ હાઉસફુલ થતાં બેરિકેડ તૂટ્યો, વિડીયો વાયરલ
લોકપ્રિય ગાયિકાની એક ઝલક મેળવવા ચાહકોની સ્ટેજ તરફ દોડધામ; સુરક્ષા કર્મચારીઓએ માંડ પરિસ્થિતિ કાબૂમાં લીધી, ગીતા રબારીએ ચાહકો સાથે લીધી સેલ્ફી

સુરત : નવરાત્રિ પર્વના વિધિવત્ પ્રારંભ પૂર્વે જ ડાયમંડ સિટી સુરતમાં ખેલૈયાઓમાં નવરાત્રિનો ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. સુરતમાં યોજાયેલા એક ભવ્ય પ્રી-નવરાત્રિ ગરબા મહોત્સવમાં ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા ગીતાબેન રબારીના સૂર અને તાલ પર સુરતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગીતા રબારીને સાંભળવા અને ગરબા રમવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં આખું ગરબા ગ્રાઉન્ડ હાઉસફુલ થઈ ગયું હતું.
નવરાત્રિ પૂર્વે જ ગરબે ઘૂમવાના ક્રેઝ વચ્ચે સુરતી ખેલૈયાઓનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ગીતા રબારીએ ગરબાની રમઝટ બોલાવતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રોમાંચક બની ગયું હતું. માઇક પર તેમની એક પછી એક હિટ ગરબાની તાન વાગતાં જ ગ્રાઉન્ડમાં હાજર હજારો ચાહકો ઉમંગથી ઝૂમી ઊઠ્યા હતા.
જોકે, પ્રિય ગાયિકાની એક નજીકથી ઝલક મેળવવા, ફોટોગ્રાફ્સ પાડવા અને વિડીયો ક્લિક કરવા માટે ઉત્સાહી ચાહકોની ભારે ભીડ અચાનક સ્ટેજ તરફ ધસી આવી હતી. વાતાવરણમાં ભીડ એટલી હદે વધી ગઈ હતી કે ગરબા ડોમમાં લગાવવામાં આવેલા સુરક્ષા બેરિકેડ પર ભારે દબાણ આવતા બેરિકેડ તૂટી પડ્યો હતો. બેરિકેટ તૂટતાંની સાથે જ આગળ ઊભેલા અનેક લોકો સંતુલન ગુમાવીને નીચે પટકાયા હતા, જેનાથી ગ્રાઉન્ડમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી.
સ્થિતિ વધુ વણસે નહીં તે માટે ગ્રાઉન્ડ પર તહેનાત સિક્યોરિટી સ્ટાફ અને આયોજકો તાત્કાલિક દોડતા થયા હતા. તેમણે ભારે જહેમત ઉઠાવીને સ્ટેજ નજીક એકઠી થયેલી ભીડને પાછળ ખસેડીને મામલો થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટના અને અફરાતફરીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યા હતા.
બીજી તરફ, પોતાના પ્રત્યે ચાહકોનો આટલો અસીમ પ્રેમ અને ઉત્સાહ જોઈને ગાયિકા ગીતા રબારીએ પણ સ્ટેજ પરથી જ ચાહકોનો મોબાઈલ લઈને તેમની સાથે સેલ્ફી ખેંચી હતી. તેમની આ સહજ શૈલીથી ચાહકો અત્યંત ખુશ થઈ ગયા હતા અને ફરીથી ગરબાની રમઝટ શરૂ થઈ હતી.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
