News of Tuesday, 26th May 2026
વડોદરાના પાદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા લુખ્ખા તત્વોને પોલીસે ગણતરીના કલાકોમાં ભોંયભેગા કરી દીધા
ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક શખ્સોએ નજીવી બાબતે ભારે બબાલ મચાવી હતી

વડોદરા જિલ્લાના પાદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા લુખ્ખા તત્વોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ભોંયભેગા કરી દીધા છે. પાદરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગઈકાલે રાત્રિ દરમિયાન કેટલાક અસામાજિક શખ્સોએ નજીવી બાબતે ભારે બબાલ મચાવી હતી. આ શખ્સોએ રાતના અંધારામાં જાહેરમાં તીક્ષ્ણ તલવારો હવામાં લહેરાવીને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો અને પોતાનો રોફ જમાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પાદરા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને કાયદાનું ભાન કરાવવાનું શરૂ કર્યું હતું.
પાદરા પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને હવામાં તલવારો ઉછાળનારા તમામ ૬ માથાભારે શખ્સો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી લીધી છે. પોલીસે ગુનેગારોમાં કાયદાનો ડર બેસે અને સામાન્ય જનતા સુરક્ષિત અનુભવે તે માટે આ તમામ લુખ્ખા તત્વોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જે વિસ્તારમાં તેમણે આતંક મચાવ્યો હતો, ત્યાં જ પોલીસે તેમની શાન ઠેકાણે લાવી દીધી હતી. પોલીસે તમામ આરોપીઓ પાસે જાહેરમાં કાન પકડાવીને ઉઠબેસ કરાવી હતી અને કાયદાની હાજરીમાં માફી મંગાવી હતી. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસની ત્વરિત કામગીરીને બિરદાવી હતી.
પોલીસની આ સિંઘમ સ્ટાઈલ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાદરા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં શાંતિ ડહોળવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ પ્રકારની કડક સજા ભવિષ્યમાં આવા તત્વોને ગુનો આચરતા રોકશે.
(1:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
