<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

પોલીસ કોઈપણ વ્‍યક્‍તિને મૌખિક કે ફોન મારફતે સમન્‍સ મોકલી શકે નહીં

લેખિત નોટિસ થકી જ પોલીસ સમન્‍સ મોકલી શકેઃ હાઈકોર્ટ : પોલીસ દ્વારા અરજદારને મૌખિક રીતે સમન્‍સ બજવણી કરી તપાસના કામે પોલીસ સ્‍ટેશન બોલાવવાના કેસમાં હાઇકોર્ટનો હુકમ

અમદાવાદ,તા.૨૦: ઘણીવાર પોલીસ દ્વારા કોઇપણ ગુનાના આરોપીને મૌખિક રીતે કે ફોન પર વોટ્‍સ અપ કે અન્‍ય માધ્‍યમ દ્વારા સમન્‍સ જારી કરી તપાસના કામે હાજર થવા માટે જણાવાતું હોય છે ત્‍યારે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે સ્‍પષ્ટ કર્યું છે કે, પોલીસ કોઇપણ વ્‍યકિતને મૌખક રીતે કે ફોન મારફતે સમન્‍સ મોકલી શકે નહીં. કાયદા મુજબ, પોલીસે લેખિત નોટિસ મારફતે સમન્‍સ આપવું અનિવાર્ય છે.

જસ્‍ટિસ મૂલચંદ ત્‍યાગીએ પ્રસ્‍તુત કેસમાં અરજદારની અરજી મંજૂર રાખી ઇસનપુર પોલીસને અરજદારને લેખિત નોટિસ મારફતે જ સમન્‍સ મોકલવા હુકમ કર્યો હતો અને તેમને મૌખિક કે ફોન મારફતે સમન્‍સ નહી આપવા સ્‍પષ્ટ રીતે હુકમમાં ઠરાવ્‍યું હતું. આ કેસમાં અરજદારપક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, શહેરના શાહઆલમ વિસ્‍તારમાં શાલીમાર ટોકીઝની પાછળ જય ભારત કબાડી માર્કેટ ખાતે અરજદારની ઓટોમોબાઇલ્‍સની દુકાનને લઇ પ્રતિવાદીઓ સાથે વિવાદ તકરાર

છેલ્‍લા ઘણા સમયથી ચાલ્‍યા આવે છે. અરજદાર તરફથી અદાલતનું ધ્‍યાન દોરાયું કે, પ્રતિવાદી અરજદાર વિરૂધ્‍ધ વારંવાર પોલીસ ફરિયાદ કરી રહ્યા છે અને ઇસનપુર પોલીસ દ્વારા છાશવારે તેમને હેરાનગતિ કરાઈ રહી છે. તપાસ અપિકારીના અહેવાલ મુજબ, અરજદાર અને પ્રતિવાદીએ એકબીજા સામે સંખ્‍યાબંધ ફરિયાદો કરી છે અને તેની અદાવતમાં પ્રતિવાદી અને પોલીસ દ્વારા અરજદારને ત્રાસ અપાઈ રહ્યો છે. જો કે, ઇસનપુર પોલીસ દ્વારા અરજદારને મૌખિક રીતે અને ફોન કરી સમન્‍સ બજવણી કરી તપાસના કામે પોલીસ સ્‍ટેશન બોલાવાઈ રહ્યા છે અને હાજર થવા ફરજ પાડવામાં આવી રહી છે પરંતુ તે ગેરકાયદે અને કાયદાકીય જોગવાઈ વિરૂધ્‍ધનું કૃત્‍ય છે.

માટે લેખિત નોટિસ મારફતે સમન્‍સ આપવું ફરજિયાત છે. અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદારને / પોલીસે તેમને તપાસના કામે બોલાવવા લેખિત નોટિસ મારફતે જ સમન્‍સ પાઠવવા હુકમ કર્યો હતો અને ઠરાવ્‍યું હતું કે, પોલીસ મૌખિક રીતે કે ફોન મારફતે અરજદારને સમન્‍સ જારી કરી શકે નહી. કોર્ટે વધુમાં નોંધ્‍યું કે, પ્રતિવાદી દ્વારા અરજદાર વિરૂધ્‍ધ ૪૦ જેટલી ફરિયાદો કરવામાં આવી છે, જયારે અરજદાર દ્વારા પ્રતિવાદી વિરુધ્‍ધ ૧૫ જેટલી ફરિયાદ કરવામાં આવી છે. હાઇકોર્ટે અરજી મંજૂર કરવાની સાથે ઉપરોકત હુકમ સાથે કેસનો નિકાલ કર્યો હતો.

(10:23 AM IST)