<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ‘નો ડ્રગ્સ ઇન સુરત’ અભિયાનની ભવ્ય સફળતા : ક્રાઇમ બ્રાન્ચના વડા કરણરાજ વાઘેલા અને ડીસીપી ભાવેશ રોજીયાની ટીમે આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસે જ ૨૮ કિલો ગાંજા સાથે નિલેશ દુધાત, બેચર પટેલ અને રવિ પરવાળીયાને દબોચ્યા

સુરત મોડેલ મુજબ સમગ્ર ગુજરાતમાં આ અભિયાન અમલી બનાવવા ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા સક્રિય વિચારણા : કતારગામમાંથી ૧૪.૮૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગરોની ધરપકડમાં મદદનીશ પોલીસ કમિશનર કિરણ મોદીના સંકલનથી ક્રાઇમ બ્રાન્ચને મળી જબ્બર સફળતા

રાજકોટ:શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને માદક પદાર્થોના વેચાણને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શરૂ કરાયેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાનને એક બહુ મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. સુરત પોલીસના આ અભિયાનની સફળતાના પગલે પગલે હવે આખા ગુજરાત રાજ્યમાં પણ ડ્રગ્સના દૂષણને ડામવા માટે 'સુરત મોડેલ' મુજબ જ કડક અમલીકરણ કરવા બાબતે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ ક્ષણ વચ્ચે, યોગાનુયોગ ડ્રગ્સની ગેરકાયદે હેરફેર વિરુદ્ધના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના અવસરે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કતારગામ વિસ્તારમાંથી રૂપિયા ૧૪ લાખથી વધુની કિંમતના ૨૮ કિલોથી વધુ પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે ત્રણ કુખ્યાત બુટલેગરોને રંગેહાથ ઝડપી પાડીને નશાના સોદાગરો પર વજ્રઘાત કર્યો છે.

 

ઉચ્ચ અધિકારીઓના સંકલન અને માર્ગદર્શન હેઠળ મિશન સફળ:

આ જબ્બર સફળતા સુરત ક્રાઇમ બ્રાન્ચના વડા કરણરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ ડીસીપી ભાવેશ રોજીયાની ટીમના અથાણ પ્રયાસોથી પ્રાપ્ત થઈ છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન મદદનીશ પોલીસ કમિશનર કિરણ મોદીના ચુસ્ત સંકલનને કારણે પોલીસે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ, સર્જન સોસાયટીની બાજુમાં, ધારા ફાર્મની સામે રોડ ઉપર વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક ટીવીએસ કંપનીની જ્યુપીટર મોપેડ (નંબર: GJ-05-TL-4674) ને અટકાવીને તેના પર સવાર ત્રણ ઇસમોને મુદ્દામાલ સાથે દબોચી લેવાયા હતા.

 

ઝડપાયેલા આરોપીઓની વિગત અને કાલુ માલીયાનું કનેક્શન:

પોલીસના સિંજામાં આવેલા આરોપીઓમાં (૧) નિલેશ પરષોત્તમભાઇ દુધાત (ઉ.વ.૪૦, રહે. શુભ ગ્લોબલ સોસાયટી, વેલંજા રોડ, ઉત્રાણ, સુરત; મૂળ રહેવાસી- મોટી કુકાવાવ, જી. અમરેલી), (૨) બેચરભાઇ બચુભાઇ પટેલ (ઉ.વ.૫૫, રહે. શુભ ગ્લોબલ સોસાયટી, વેલંજા રોડ, ઉત્રાણ, સુરત; મૂળ રહેવાસી- ગડુલા, જી. ભાવનગર) અને (૩) રવિ અમૃતભાઇ પરવાળીયા (ઉ.વ.૩૦, રહે. શુભ ગ્લોબલ સોસાયટી, વેલંજા રોડ, ઉત્રાણ, સુરત; મૂળ રહેવાસી- અનીડા, જી. અમરેલી) નો સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ નશાનો જથ્થો તેઓએ સુરત વરાછા રોડ રેલ્વે પટરી ઉપર રહેતા કાલુ માલીયા નામના ઇસમ પાસેથી ખરીદ્યો હતો અને તેને મોપેડ દ્વારા લાવીને શહેરમાં છૂટકમાં વેચવાની પેરવીમાં હતા.

 

લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત:

ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓ પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ પ્રતિ કિલોની કિંમતનો કુલ ૨૮ કિલો અને ૦૬૪ ગ્રામ ગાંજો (કિંમત રૂપિયા ૧૪,૦૩,૨૦૦), રૂપિયા ૫૦,૦૦૦ ની જ્યુપીટર મોપેડ, રૂપિયા ૨૬,૦૦૦ ની કિંમતના ૪ નંગ મોબાઈલ ફોન, રૂપિયા ૧,૬૩૦ ની રોકડ રકમ તેમજ ૨ નંગ પાનકાર્ડ, ૫ નંગ આધારકાર્ડ અને ૧ નંગ ડ્રાઇવિંગ લાયસન્સ મળીને કુલ રૂપિયા ૧૪,૮૦,૮૩૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં મળેલી આ મોટી સફળતા બાદ, હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુખ્ય સપ્લાયર કાલુ માલીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(8:33 PM IST)