<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

અમદાવાદમાં 5 વર્ષની બાળકીના અપહરણનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલ્યો :દિયરની પ્રેમિકા જ નીકળી માસ્ટર માઈન્ડ

અપહરણકાર મહિલા બાળકીને લઈને ગુજરાત છોડીને બિહાર ભાગવાની ફિરાકમાં હતી:પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને અમીરગઢ બોર્ડર પરથી આરોપી મહિલા સાહીબાખાતુનની અટકાયત કરી

અમદાવાદ: શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ત્વરિત એક્શનના આધારે માસૂમ બાળકીને બચાવી લીધી છે. અમદાવાદના હાર્દ સમાન શહેરકોટડા વિસ્તારમાંથી  એક 5 વર્ષની માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને સમજીને શહેરકોટડા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને માત્ર પોણા ત્રણ કલાકના ટૂંકા ગાળામાં જ ઓપરેશન પાર પાડીને અપહરણકર્તા મહિલાને ઝડપી પાડી હતી.

બાળકીના અપહરણની ફરિયાદ મળતા જ પોલીસ વડાની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પોલીસને મહત્વના ઇનપુટ્સ મળ્યા હતા. આ ઇનપુટ્સ, સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના નેટવર્કના આધારે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. અપહરણકાર મહિલા બાળકીને લઈને ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતી, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ બોર્ડર પરથી આરોપી મહિલા સાહીબાખાતુનની અટકાયત કરી લીધી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં આ અપહરણ પાછળ કૌટુંબિક વિખવાદ અને ચોંકાવનારો પ્લાન સામે આવ્યો છે. પકડાયેલી આરોપી સાહીબાખાતુન એ બાળકીના દિયરની પ્રેમિકા હોવાનું ખુલ્યું છે. પારિવારિક અદાવત અને જૂના ઝઘડાની અદાવતનો બદલો લેવા માટે તેણે આ માસૂમ બાળકીને નિશાન બનાવી હતી. સાહીબાખાતુન બાળકીનું અપહરણ કરીને વાયા રાજસ્થાન થઈને છેક બિહાર ભાગી જવાની યોજના ધરાવતી હતી.

જોકે, તેનો આ પ્લાન સફળ થાય તે પહેલાં જ પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી. પોલીસે અપહરણ કરાયેલી બાળકીને હેમખેમ અને સહીસલામત રીતે છોડાવીને તેના પરિવારને પરત સોંપી દીધી છે, જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. શહેરકોટડા પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ આકરા કાયદાકીય શિર્ષક હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

(8:04 PM IST)