News of Sunday, 27th September 2026
અમદાવાદમાં પોલીસ યુનિફોર્મ વાયરલ વીડિયો વિવાદમાં પૂર્વ કાઉન્સિલરે કર્યો ખુલાસો, મહિલા પોલીસકર્મી નહીં પરંતુ ગૃહિણી હોવાનો દાવો
લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલરે સોશિયલ મીડિયા પર ખુલાસો કરીને જણાવ્યું કે ગણપતિ વિસર્જનના ફેન્સી ડ્રેસ સ્પર્ધાનો હતો આ વીડિયો

અમદાવાદ : અમદાવાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને લઈને શરૂ થયેલા ભારે વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ યુનિફોર્મમાં એક મહિલા દ્વારા ફિલ્મી ડાયલોગ પર અભિનય કરતા વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી, ત્યારે આ વીડિયો શેર કરનાર લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર માનસિંગ સોલંકીએ હવે સમગ્ર મામલે ખુદ મોટો ખુલાસો કર્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર માનસિંગ સોલંકીએ પોતાના સોશિયલ મીડિયા પર “મયુરી બા” અને “લાડકી ભાણી બા” શીર્ષક સાથે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વાયરલ વીડિયોમાં પોલીસ યુનિફોર્મમાં નજરે પડતી એક મહિલા જાણીતી બોલિવૂડ ફિલ્મનો ડાયલોગ “યે પોલીસ સ્ટેશન હે, તુમ્હારે બાપ કા ઘર નહીં...” બોલતી અને અભિનય કરતી જોવા મળતી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉઠ્યા હતા.
આ સમગ્ર વિવાદ વકરતા વીડિયો શેર કરનાર પૂર્વ કાઉન્સિલર માનસિંગ સોલંકીએ મીડિયા પ્લેટફોર્મ પર કમેન્ટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ વીડિયોમાં નજરે પડતી મહિલા કોઈ પોલીસકર્મી નથી પરંતુ તેમની ભાણી બા છે અને તેઓ ગૃહિણી છે. તેમણે ખુલાસો કર્યો હતો કે આ વીડિયો ગણપતિ વિસર્જન નિમિત્તે યોજાયેલી મહિલાઓની ફેન્સી ડ્રેસ સ્પર્ધાનો હતો, જે તેમણે પોતાના સ્ટેટ્સમાં મૂક્યો હતો અને તે પોલીસ ખાતા સાથે સંકળાયેલ નથી.
અગાઉ પણ સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મના દુરુપયોગ અથવા વીડિયો શૂટિંગને લઈને અનેક પ્રકારના વિવાદો સામે આવ્યા છે અને વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવતી હોય છે. આ ખુલાસા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ માત્ર એક ફેન્સી ડ્રેસ સ્પર્ધાનો ઉત્સાહ હતો, છતાં સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયો વાયરલ થવાના મામલે ભવિષ્યમાં વધુ કાળજી રાખવા અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
