તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતાઓ વચ્ચે ‘પોસ્ટર વોર', શાબ્દિક યુદ્ધ છેડાયું
‘ચિંગારી ભડકાવી ને ઉંદરો ઉછળ્યા': વરુણ પટેલનો પ્રહાર : હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલે એકબીજા પર આડકતરા નિશાન સાધ્યા : હાર્દિકના સમર્થનમાં અલ્પેશ કથીરિયાએ ખામોશીને કમજોરી ન સમજવા ચેતવણી આપી, તો વરુણ પટેલે ‘ઉંદરો ઉછળવા લાગ્યા' અને ‘તમામ દરો બંધ થઈ જશે' જેવા આકરા કટાક્ષ કરતા રાજકીય ગરમાવો વધ્યો

નવી દિલ્હીઃ તા.૨૭: ગુજરાતના રાજકારણમાં એક સમયે ખભેખભા મિલાવીને લડનારા પાટીદાર અનામત આંદોલનના પૂર્વ યુવા અગ્રણીઓ વચ્ચે ફરી એકવાર આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. આ આગેવાનો વચ્ચે હાલ સોશિયલ મીડિયામાં જબરદસ્ત ‘પોસ્ટર વોર' શરૂ થયું છે. હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સામે આકરા નિશાન સાધતા પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
આ સમગ્ર વિવાદ અને પોસ્ટર વોરમાં અલ્પેશ કથીરિયા ખુલીને હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ કરીને વિરોધીઓને આડકતરી ચેતવણી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ન કરતા.' આ સાથે જ તેમણે સ્વાભિમાનનો મુદ્દો ઉઠાવતા વધુમાં ઉમેર્યું હતું કે, ‘અમારા સ્વાભિમાનને શરતોમાં તોળતા નહીં.' કથીરિયાની આ પોસ્ટને હાર્દિક પટેલના સમર્થનમાં અને વિરોધી જૂથને જડબાતોડ જવાબ તરીકે જોવામાં આવી રહી છે.
બીજી તરફ, અનામત આંદોલનના જ અન્ય એક અગ્રણી વરુણ પટેલે પણ સોશિયલ મીડિયામાં અત્યંત આક્રમક અને કટાક્ષભરી પોસ્ટ કરીને માહોલને વધુ ગરમાવ્યો છે. વરુણ પટેલે કોઈનું નામ લીધા વિના સીધું નિશાન સાધતા લખ્યું છે કે, ‘અત્યારે તો માત્ર ચિગારી ભડકાવી છે અને ઉંદરો ઉછળવા લાગ્યા છે.' તેમણે વધુમાં પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, ‘સમય આવ્યે તમામ દરો બંધ થઈ જશે.' વરુણ પટેલના આ તીખા શબ્દોને અલ્પેશ કથીરિયા અને હાર્દિક પટેલ સામેના સીધા પલટવાર તરીકે જોવામાં આવી રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલનના પૂર્વ આગેવાનો વચ્ચે જાહેરમાં થઈ રહેલી આ શાબ્દિક ટપાટપી અને ખેંચતાણે ફરી એકવાર તેમના આંતરિક મતભેદોને ઉજાગર કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ પોસ્ટર વોરને કારણે કાર્યકરો અને સમર્થકોમાં પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આગામી સમયમાં આ ત્રણેય યુવા નેતાઓ વચ્ચેનું આ શાબ્દિક યુદ્ધ કયો નવો વળાંક લે છે, તેના પર સૌની નજર ટકેલી છે. (૪૧.૪)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
