News of Sunday, 5th July 2026
પાલનપુરમાં માત્ર 8 mm વરસાદમાં જ પ્રિ-મોન્સૂન કામગીરી ધોવાઈ
અંબાજી હાઈવે બેટમાં ફેરવાયોઃ વાહન વ્યવહારને અસર

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ વહીવટી તંત્રના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. જિલ્લા મથક પાલનપુર અને વડગામ પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જોકે, પાલનપુરમાં માત્ર 8 mm જેટલો સામાન્ય વરસાદ નોંધાયો હતો, પરંતુ આટલા અમથા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. તંત્રની નબળી પ્રિ-મોન્સૂન કામગીરીના કારણે પ્રથમ વરસાદે જ સ્થાનીક તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે.
ભારે વરસાદ ન હોવા છતાં પાલનપુર-અંબાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતો આ મુખ્ય હાઈવે માર્ગ રીતસર બેટમાં ફેરવાઈ ગયો હતો. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા, જેના કારણે યાત્રાળુઓ અને સ્થાનિક મુસાફરો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ પડ્યા હતા.
સરકારી આંકડા મુજબ મોડી રાત્રે વડગામમાં 1 ઈંચ જ્યારે પાલનપુરમાં 8 mm વરસાદ પડ્યો હતો. આ કોઈ ભારે આફત કે વાવાઝોડું નહોતું, છતાં પાલનપુરના મુખ્ય માર્ગો જળમગ્ન થઈ ગયા હતા. સ્થાનિક રહીશો સોશિયલ મીડિયા પર તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
