News of Wednesday, 6th May 2026
વડોદરામાં વડાપ્રધાન મોદીના રોડ શો ની તૈયારીઓ :પૂર્વના વિસ્તારને શણગારવા અને સુવિધા સુધારવાની કામગીરી શરૂ
વડાપ્રધાન અણખોલ ખાતે નવનિર્મિત સરદારધામ સંકુલના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે અને ત્યારબાદ એરપોર્ટ માર્ગ પર તેમનો ભવ્ય રોડ શો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11મી તારીખે વડોદરાના મહેમાન બનવાના છે. વડાપ્રધાન અણખોલ ખાતે નવનિર્મિત સરદારધામ સંકુલના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે અને ત્યારબાદ એરપોર્ટ માર્ગ પર તેમનો ભવ્ય રોડ શો યોજાશે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારને શણગારવાની અને માળખાગત સુવિધાઓને સુધારવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
એરપોર્ટથી લઈને સરદારધામ સંકુલ સુધીના સમગ્ર રૂટ પર પાલિકાના વિવિધ વિભાગો દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ છે. જેમાં મુખ્યત્વે માર્ગોની સાફ-સફાઈ, ડિવાઈડર ક્લીનિંગ અને કલરકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ થીમ આધારિત રોશની, બ્રાન્ડિંગ, પ્લાન્ટેશન અને ઝાડના ટ્રિમિંગ દ્વારા સમગ્ર માર્ગને નવો લુક આપવામાં આવી રહ્યો છે. દબાણ હટાવવા અને ડ્રેનેજ લાઈનોની ચકાસણી જેવી પાયાની કામગીરી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
રોડ શો અને લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતાને જોતા, તંત્ર દ્વારા વિવિધ સ્થળો પર સુયોજિત પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ઉચ્ચ અધિકારીઓએ રૂટની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને ફિલ્ડમાં રહીને સૂચનાઓ આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, એરપોર્ટ રોડથી ગોલ્ડન ચોકડી સુધીની કામગીરી માટે વુડા (VUDA), જિલ્લા પંચાયત અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે. આ સાથે જ શહેરમાં 'વન ડે વન રોડ' અભિયાનને વધુ વેગ આપવામાં આવશે. બુધવારથી પૂર્વ ઝોનમાં આ અભિયાનનો પ્રારંભ થશે, જેમાં ચારેય ઝોનને આવરી લેવામાં આવશે.
તંત્ર દ્વારા નાગરિકોને પણ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગીદાર બનવા અને શહેરની સુંદરતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાનના સ્વાગત માટે વડોદરાનો પૂર્વ વિસ્તાર અત્યારથી જ કેસરીયા વાઘા પહેરી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
