News of Sunday, 15th November 2026
વલસાડના નાનાપોંઢા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી : જુઓ વિડીયો
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી સંસ્કૃતિ, બલિદાન અને વિકાસની ગાથા રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી :નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજના અંતર્ગત રૂ. ૬.૮૨ કરોડના કુલ ૯૩ કામો અને રૂ. ૪૧.૪૯ કરોડના કુલ ૩૮૧ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ કરાયું:એક જ દિવસમાં ૧૮,૦૦૦ આદિવાસી પરિવારોને વન અધિકાર પત્રો એનાયત

વલસાડ :ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ 'જનજાતીય ગૌરવ દિવસ' નિમિત્તે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. 'જય જોહાર'ના ગગનભેદી નારા સાથે સંબોધનની શરૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને સમગ્ર દેશમાં 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જે આજે દેશના પ્રત્યેક સમાજ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે.
આદિવાસી સમાજનું બલિદાન અને સંસ્કૃતિ એ રાષ્ટ્રની વિરાસત હોવાની જણાવી નાયબ મુખ્યમંત્રીએ આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજના યોગદાનને બિરદાવતા કહ્યું કે, આ સમાજે માત્ર ધરતીનું જતન જ નથી કર્યું, પરંતુ દેશની આઝાદી માટે પોતાના લોહીનું સિંચન પણ કર્યું છે. તેમણે માનગઢના ગોવિંદ ગુરુ, રૂપસિંહ નાયક, મોતીલાલ તેજાવત અને દર્શનીબેન ચૌધરી જેવા ક્રાંતિકારીઓને યાદ કરી નમન કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, બનાસકાંઠાથી ડાંગ સુધીનો ૧૪ આદિવાસી જિલ્લાઓનો પૂર્વીય પટ્ટો, શામળાજીનો ચિત્ર-વિચિત્ર મેળો, કવાંટનો મેળો, ડાંગ દરબાર તેમજ નાગલીનો રોટલો, ઉંબાડિયું, વાંસનું અથાણું અને અડદની દાળ જેવી પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ એ આપણી જીવંત સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના અતૂટ જોડાણની ઓળખ છે.
રાજ્ય સરકારની જનકલ્યાણકારી કામગીરીની વિગતો આપતા સંઘવીએ જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ હેઠળ ગુજરાતના ૧ લાખથી વધુ આદિવાસી પરિવારોને કુલ ૭૪,૦૦૦ હેક્ટરથી વધુ જમીનના માલિકી હકો સોંપવામાં આવ્યા છે. આજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક જ દિવસમાં ૧૮,૦૦૦થી વધુ લાભાર્થીઓને વન અધિકારના પ્રમાણપત્ર અને રેકોર્ડ ઓફ રાઈટ્સ આપીને તેમના ઘરોમાં દિવાળીનો દીપક પ્રગટાવવાનું કામ કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પૂર્વવર્તી કોંગ્રેસ સરકારો પર આકરા રાજકીય પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આઝાદી બાદ ૫૦-૫૫ વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસે આદિવાસી સમાજના સપનાઓ પર રોડા નાખવાનું કામ કર્યું હતું. ધરમપુર જેવા વિસ્તારોમાં વર્ષ ૨૦૦૧ સુધી ૨૫થી વધુ ગામોમાં વીજળી અને ૫૦થી વધુ ગામોમાં પાણી-રસ્તા જેવી પાયાની સુવિધાઓ જાણીજોઈને પહોંચાડવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ આદિવાસી સમાજનો માત્ર 'વોટબેંક' તરીકે ઉપયોગ કર્યો, વન અધિકાર પત્રો ન આપ્યા અને ભગવાન બિરસા મુંડાજીની પણ ક્યારેય યાદ ન કરી. ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી અને આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની શરૂઆત માત્ર ભાજપની મોદી સરકારે જ કરી છે.
વર્ષ ૨૦૦૧માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આદિવાસી વિસ્તારોમાં શરૂ થયેલી વિકાસયાત્રાના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આદિવાસી વિસ્તારોમાં માત્ર ૭ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો હતી, જે આજે વધીને ૫૭ થઈ છે. આ ઉપરાંત ૪૩ નવી ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલો, ૧૨થી વધુ મોડેલ ડે સ્કૂલો, ૭૮ નવી આદર્શ નિવાસી શાળાઓ, ૬૬૫ આશ્રમ શાળાઓ અને ૨૨,૫૦૦ સ્માર્ટ ક્લાસરૂમ નિર્માણ પામ્યા છે. આઈ.ટી.આઈ.ની સંખ્યા ૩૧થી વધીને ૭૮ થઈ છે અને બેઠકો ૫,૦૦૦થી વધીને ૨૬,૦૦૦ કરાઈ છે.
પહેલાં આદિવાસી વિસ્તારોમાં માત્ર ૨ મેડિકલ કોલેજો હતી, તેની સામે આજે ૧૨ મેડિકલ કોલેજો કાર્યરત છે અને MBBSની બેઠકો ૨૨૦થી વધીને ૨,૦૫૦ થઈ છે. ૧ કરોડથી વધુ નાગરિકોનું સિકલસેલ એનિમિયા સ્ક્રીનિંગ કરાયું છે, જ્યારે છેલ્લા બે વર્ષમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ આદિવાસી પરિવારોને ₹૧,૭૬૪ કરોડની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત વિસ્તારમાં ૩૩૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
અંતમાં નાયબ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકારની આ સુવિધાઓના પરિણામે આજે આદિવાસી સમાજના દીકરા-દીકરીઓ પાઈલટ, કલેક્ટર, એસ.પી., ડોક્ટર અને એન્જિનિયર બનીને વિદેશની મોટી કંપનીઓ સુધી પોતાનું નામ રોશન કરી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર આ વિકાસયાત્રાને વધુ તેજ ગતિએ આગળ ધપાવવા કટિબદ્ધ છે.
વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે જણાવ્યું કે, આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે ગૌરવવંતુ સ્થાન અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકાર મક્કમ પ્રયાસો કરી રહી છે. આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિને ભારતીય મૂળની ધરોહર છે. વધુમાં, હેતલબેન પટેલે વૃક્ષારોપણ, શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના ક્ષેત્રોમાં સરકારના આહ્વાન અને અભિયાનોમાં સહકાર આપી, સૌના સાથથી દેશને વૈશ્વિક સ્તરે વધુ આગળ લઈ જવા માટે એકજૂથ થઈને પ્રયાસો કરવાની હિમાયત કરી હતી.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ભગવાન બિરસા મુંડાના અદમ્ય સાહસ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પી જણાવ્યું કે, માત્ર ૨૫ વર્ષની નાની વયે અંગ્રેજ સલ્તનત સામે લડીને દેશ અને આદિવાસી સમાજ માટે પ્રાણોની આહુતિ આપનાર આ મહાન ક્રાંતિકારીને ભૂતકાળની સરકારોએ વિસારી દીધા હતા, પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં આ દિવસને 'જનજાતિ ગૌરવ દિવસ' તરીકે જાહેર કરી સમગ્ર આદિવાસી સમાજને ગૌરવ અને સન્માન બક્ષ્યું છે.
આ પ્રસંગે તેમણે વલસાડ જિલ્લા સહિત ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં સરકાર દ્વારા થઈ રહેલા સર્વાંગી વિકાસનો ચિતાર આપ્યો હતો અને ખાસ ઉલ્લેખ કર્યો હતો કે રસ્તા અને વીજળી જેવી પાયાની સુવિધાઓથી લઈને આદિવાસી વિદ્યાર્થીઓને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસ માટે મળતી કરોડો રૂપિયાની આર્થિક સહાય સુધી, સરકારી યોજનાઓનો લાભ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક આદિવાસી પરિવાર સુધી પહોંચ્યો છે, જે વર્તમાન સરકારની આદિવાસી કલ્યાણ પ્રત્યેની મક્કમ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્રનું મહાત્મ્ય જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સરકારની આદિવાસી યોજનાની પ્રદર્શનીને ખુલ્લી મૂકવામાં આવી હતી. સભા સ્થળે આદિવાસી દેવી દેવતા અને બિરસા મુંડાની તસ્વીરનું ભક્તિભાવથી પૂજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીનું જિલ્લા વહીવટી તંત્ર, પ્રદેશ એસટી મોર્ચા સંગઠન અને જિલ્લા સંગઠન દ્વારા આદિવાસી વાદ્ય ઘાંઘળી, તારપુ અને વારલી ચિત્ર વડે સન્માન કરવામાં આવ્યું હતું. ડોકટર બનેલી આદિવાસી દીકરી ડો.શ્રીદેવી માહલા એ ગરીબ પરિવારમાંથી ડોકટર બનવા સુધીમાં સરકારના યોગદાન અંગે સાફલ્ય ગાથા વર્ણવી હતી.
નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજના અંતર્ગત રૂ. ૬.૮૨ કરોડના કુલ ૯૩ કામો અને રૂ. ૪૧.૪૯ કરોડના કુલ ૩૮૧ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર અને રમતવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ગઢચીરોલી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
ડાંગ અને નવસારી જિલ્લાના ૩૪ કલાકારોએ આદિવાસી સંસ્કૃતિની ઓળખ અને ગૌરવ સમાન ડાંગી અને આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું જેને નિહાળી સૌ મંત્રમુગ્ધ થયા હતા.
આ પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા કલેકટર નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી સોનલબેન સોલંકી, પ્રદેશ એસટી મોર્ચા મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, જિલ્લા સંગઠન પ્રભારી વિનય શુક્લા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિતિ રહ્યા હતા
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
