<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સિરામિક ઉદ્યોગના પ્રોપેન ગેસમાં પ્રતિ ટન રૂ.૭,૩૦૦નો ભાવવધારો

ગેસ સંકટ, નિકાસ બંધ સમયે વધુ એક ચિંતા : નેચરલ ગેસ કરતા થોડો સસ્‍તો મળતો હોવાથી ઉદ્યોગકારો તેનાથી કામ ચલાવી લેતા હતા, પરંતુ હવે બંન્નેનાં ભાવ સરખાં

અમદાવાદ,તા.૨૪: મોરબીનો સિરામિક ઉદ્યોગ ઈરાન-અમેરિકા યુદ્ધ શરુ થયું ત્‍યારથી ગેસ સંકટનો સામનો કરી રહ્યો છે. છેલ્‍લા છ માસ કરતા  વધુ સમયથી ગેસ સંકટ, એક્‍સપોર્ટ બંધ, કન્‍ટેનરના ભાડામાં વધારો સહિતના પ્રશ્નોથી ઝઝૂમી રહ્યો છે ત્‍યારે આટલી મુશ્‍કેલી ઓછી હોય તેમ પ્રોપેન ગેસના ભાવમાં વધારો ઝીંકાયો છે.

મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂા. ૭૩૦૦નો વધારો થયો છે. જેમાં કંડલા અને પોરબંદરથી આવતા પ્રોપેન ગેસના ભાવમાં વધારો ઝીકવામાં આવ્‍યો છે. નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવમાં  થોડો તફાવત હતો અને નેચરલ ગેસ કરતા થોડો સસ્‍તો મળતો હોવાથી ઉદ્યોગકારો તેનાથી કામ ચલાવી લેતા હતા. પરંતુ હવે પ્રોપેન ગેસનો ભાવ પણ નેચરલ ગેસની આસપાસ પહોંચી ગયો છે. દિવાળી પૂર્વે રાહતની આશા હોય પરંતુ પડ્‍યા પર પાટૂ પડ્‍યું છે અને પ્રોપેન ગેસના ભાવો ઉદ્યોગકારોને રડાવી રહ્યા છે. હજુ યુધ્‍ધ સંપૂર્ણ શાંત થયું નથી અને સિરામિક ઉધોગકારો હજુ પણ મંદી સામે ઝઝૂમી રહ્યા છે તો સામે પક્ષે ગેસના સતત વધતા ભાવથી પ્રોડક્‍શન કોસ્‍ટને પહોંચી વળાતું નથી.

(10:01 AM IST)