News of Friday, 17th July 2026
કલેક્ટરની સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય દારૂના નશામાં ઝડપાયા
કલેક્ટરે નશાખોર આચાર્યને તાત્કાલિક કઠલાલ પોલીસને સોંપ્યા: આ ઘટનાએ શિક્ષણ જગત અને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાણીયલ ગામેથી સરકારી તંત્રને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાણીયલ ગામે જિલ્લા કલેક્ટરની સત્તાવાર વિઝિટ (મુલાકાત) ગોઠવાયેલી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે કટોકટીનો સપાટો બોલાવતા કાણીયલ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ H-TAT આચાર્ય ભગવતસિંહ ઝાલાને ફરજ પર જ દારૂના નશામાં ચુર એટલે કે પીધેલી હાલતમાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. કલેક્ટરે તાત્કાલિક કડક પગલાં ભરીને નશાખોર આચાર્યને કઠલાલ પોલીસના હવાલે કરી દીધા હતા.
નશાખોર હાલતમાં ઝડપાયેલા આચાર્ય ભગવતસિંહ ઝાલા હાલ ગંગાદાસના મુવાડા ખાતે ફરજ બજાવે છે. આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે તેઓ વિવાદમાં આવ્યા હોય. આ અગાઉ પણ તેઓ જ્યારે મહેમદાવાદ તાલુકાની રૂદન પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે પણ શિસ્તભંગ અને વિવિધ વિવાદોમાં આવી ચૂક્યા છે. એક શિક્ષક અને આચાર્ય જેવા જવાબદાર પદ પર હોવા છતાં તેમની આવી બેદરકારી સામે આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે ફિટકારની લાગણી વ્યાપી છે.
આ મામલામાં રાજકીય કનેક્શન સામે આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પકડાયેલા નસેડી મુખ્યશિક્ષક ભગવતસિંહ ઝાલાના પુત્રવધુ ફાલ્ગુનીબેન ઝાલા ખેડા જિલ્લા પંચાયતની છીપડી બેઠકના કોંગ્રેસના સક્રિય સભ્ય છે. તેમના સસરા જ સરકારી શાળામાં દારૂ પીધેલી હાલતમાં પકડાતા વિપક્ષ અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના બાદ જાગૃત નાગરિકો દ્વારા એવી પણ માંગ ઉઠી છે કે કલેક્ટર તંત્ર દ્વારા આવી જ રીતે અન્ય શાળાઓમાં પણ સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવે, જેથી ગુલ્લીબાજ, નશાખોર અને કામચોર શિક્ષકો સામે કડક કાર્યવાહી થઈ શકે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
