News of Sunday, 5th July 2026
વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના 'વ્યથામાંથી વ્યવસ્થા'ના વિઝનથી વિચરતી-વિમુક્ત જાતિઓને મળ્યું સન્માનજનક 'સરનામું' અને નવી ઓળખ: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાનસરમાં 'શાંતિ નિવાસ' હોસ્ટેલનું ઉદ્ઘાટન અને 'વલ્લભ વિદ્યાવિહાર' શાળાનું ભૂમિ પૂજન સંપન્ન: છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'નું સપનું સાકાર થશે:મુખ્યમંત્રી :ઘરવિહોણા અને પોતાના બાળકોને ભણાવવા માટે સંઘર્ષ કરતા વિચરતી-વિમુક્ત જાતિના લોકો માટે ખૂબ મહત્વનું કાર્ય કરતી સંસ્થા એટલે VSSM : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે કલોલ તાલુકાના પાનસર ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત 'શાંતિ નિવાસ' હોસ્ટેલનું ઉદ્ઘાટન અને 'વલ્લભ વિદ્યાવિહાર' શાળાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાના વિદ્યાર્થીઓને પુસ્તકો આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બાળપણ એક અત્યંત સામાન્ય અને ગરીબ પરિવારમાં વીત્યું હતું, પરંતુ તેમણે ક્યારેય પોતાની પરિસ્થિતિની વ્યથા રજૂ કરી નથી. એમણે હંમેશા 'વ્યથામાંથી વ્યવસ્થા' તરફ આગળ વધવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાનશ્રીનું ચિંતન હંમેશાં એ જ રહ્યું છે કે સમાજમાં એવી કઈ કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેનાથી ગરીબો અને વંચિતોની વ્યથા કાયમ માટે બંધ થઈ જાય.
વર્ષોથી ભટકતું જીવન જીવતી આપણી વિચરતી અને વિમુક્ત જાતિના ભાઈ-બહેનોને સમાજમાં સન્માનજનક સ્થાન અને પોતાનું કાયમી 'સરનામું' મળે, એ દિશામાં પહેલું મક્કમ પગલું નરેન્દ્રભાઈએ જ માંડ્યું હતું. અને તેમના એ જ વિઝનને પરિણામે આજે સમગ્ર ગુજરાતમાં આ ક્ષેત્રે ખૂબ જ અભૂતપૂર્વ અને કલ્યાણકારી કાર્યો થઈ રહ્યા છે. જ્યારે માણસને પોતાનું સ્થાયી સરનામું મળે છે ત્યારે જ તેની સાચી ઓળખ ઊભી થાય છે, અને જ્યારે ઓળખ મળે ત્યારે જ તેને સમાજમાં પોતાના તમામ હકો સહેલાઈથી મળી શકે છે. આજે આ તમામ ભગીરથ કાર્યો સંસ્થા દ્વારા વંચિત સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે થઈ રહ્યા છે, તે ખૂબ પ્રશંસનીય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે સત્કાર્યમાં માત્ર આંગળી ચીંધવી એ પણ ખૂબ મોટું પુણ્ય છે. આજે તમે એ પરિવારોનો વિચાર કરો કે જે માણસો રોજબરોજ માત્ર એ જ ચિંતામાં જીવતા હોય કે કાલે સવારે ક્યાં જઈશું? આપણને ત્યાં જમીન મળશે કે નહીં? રહેવા-જમવાનું અને બાળકોના ભવિષ્યનું શું થશે? આવી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે જીવતા આપણા વિચરતી અને વિમુક્ત જાતિના ભાઈ-બહેનો માટે જો કોઈ રહેવાથી માંડીને બાળકોના ભણવા અને જમવા સુધીની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડે, તો એ કેટલું મોટું પુણ્યનું કામ કહેવાય!
આપણા જીવનનું એક આખું ચક્ર હોય છે, જે દરમિયાન આપણે સતત પ્રગતિ તરફ આગળ વધીએ છીએ. પણ એકવાર જીવનમાં સ્થિરતા આવે, કોઈ યોગ્ય હોદ્દો કે પોઝિશન મળે, ત્યારે માણસના મનમાં સહજ વિચાર આવે છે કે હવે મારે સમાજ માટે કંઈક કરવું છે. સમાજ અને લોકો માટે પાણીની ટાંકી બનાવવી, સ્કૂલ ઊભી કરવી કે હોસ્પિટલના કાર્યોમાં મદદરૂપ થવું, આ બધા સેવાના વિચારો મનમાં ત્યારે જ જાગે, જ્યારે આપણે પોતે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયા છીએ, આજે એ જ પરિસ્થિતિમાં જીવી રહેલા છેવાડાના માણસનો આપણે હરહંમેશ વિચાર કરીએ. પોતાના ભૂતકાળને ભૂલ્યા વગર સમાજના વંચિતો માટે કંઈક કરી છૂટવાની આ જ સંવેદનશીલતા અને સેવાની પ્રેરણા, હંમેશા વડાપ્રધાનના જીવનમાંથી મળ્યા કરે છે, તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગત રોજ ગુજરાતમાં ત્રીજી સેમિકન્ડક્ટર કંપનીની શરૂઆત થઈ છે. દેશ આજે ટેકનોલોજી અને ઉદ્યોગોમાં વૈશ્વિક ક્ષિતિજો સર કરી રહ્યો છે, છતાંય વડાપ્રધાનના ચિંતનમાં આજે પણ નાનામાં નાના માણસનો વિચાર અને સ્વચ્છતા જેવી પાયાની બાબતો એટલી જ અગ્રતા પર છે. સામાન્ય રીતે આપણા ઘરમાં ૧૦ સભ્યોનું ફેમિલી હોય, તોય જેમ જેમ પૈસા વધતા જાય એમ આપણે નાની-નાની જવાબદારીઓ છોડતા જઈએ છીએ કે હવે આ મારાથી ના થાય, તું જાતે કરી લે. પણ વડાપ્રધાનએ દેશના દરેક ક્ષેત્રે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. આજે ભારત દુનિયાની સામે ગર્વથી ઊભું છે અને વૈશ્વિક સ્તરે ભારતની નોંધ લેવાય છે, એવું ગૌરવ વડાપ્રધાનએ આપણને અપાવ્યું છે.
સર્વસમાવેશી વિકાસની વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે સૌએ વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા ખભેખભા મિલાવીને સાથ આપવાનો છે. વિકસિત ભારત માટે 'વિકસિત ગુજરાત' અનિવાર્ય છે. પણ વિકસિત ગુજરાત ક્યારે બને? કોઈ એક-બે કે દસ શહેરો આગળ આવી જશે તો વિકાસ અધૂરો ગણાશે. જ્યારે સમાજનો છેવાડાનો માણસ, નાનામાં નાનો માનવી વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાશે, ત્યારે જ સાચા અર્થમાં વિકસિત ગુજરાત બનશે અને તેના થકી વિકસિત ભારતનું નિર્માણ થશે.
અહીં ઉપસ્થિત બાળકોની આખી પેઢીની હજુ તો ભણવાની શરૂઆત થઈ છે. શિક્ષણના માધ્યમથી આ નવી પેઢી જ્યારે સક્ષમ બનીને બહાર નીકળશે, ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. આખી પેઢીને અને સમગ્ર સમાજને સન્માનભેર બહાર લાવવાનું આ જે ખૂબ મોટું અને પવિત્ર કાર્ય થઈ રહ્યું છે, તેમાં આપણને બધાને સહભાગી થવાની તક મળી છે એ આપણા સૌના માટે અત્યંત ગૌરવની વાત છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સાચા અર્થમાં જેનું કોઈ નથી, એની આ ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’-VSSM સંસ્થા છે. ઉપર આકાશ અને નીચે ધરતી હોય તેવા ઘરવિહોણા અને પોતાના બાળકોને ભણાવવા માટે સંઘર્ષ કરતા વિચરતી-વિમુક્ત જાતિના લોકો માટે આ સંસ્થા ખૂબ મહત્વનું કાર્ય કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 'અંત્યોદય'ની વિચારધારા થકી છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને દેશભરમાં અનેક ઘર વિહોણા પરિવારોને પાકા ઘર આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ આ સંસ્થાને કોલોની કે પ્લોટ બાંધવા માટે વિવિધ સહાય કરી છે, તે ખૂબ સરાહનીય કાર્ય છે.
વિશ્વકર્માએ વધુમાં કહ્યું હતું કે, સંસ્થા દ્વારા આ વિચરતી અને વિમુક્ત જ્ઞાતિના દીકરા-દીકરીઓ તથા વડીલો જે પરંપરાગત વ્યવસાયો સાથે જોડાયેલા છે, તેમની હાથવણાટની કે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનું એક સારું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત સરકારના માધ્યમથી તેમને યોગ્ય ટ્રેનિંગ પણ અપાવવામાં આવશે, જેથી તેઓ વધુ સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ બનાવીને પોતાનો આર્થિક વિકાસ સાધી શકે. નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદી ખરીદવાની શરૂઆત કરાવી હતી અને આજે તે વૈશ્વિક ફેશન બનીને દોઢ લાખ કરોડ કરતા વધુના ટર્નઓવર પર પહોંચી છે, તેવી જ રીતે આ વિચરતી જાતિના પરિવારોની પ્રોડક્ટ્સને પણ ભવિષ્યમાં 'જીઆઈ ટેગ' મળે અને તેમનું બજાર વિસ્તરે તે માટે સરકાર હંમેશા તેમની સાથે છે.
આ પ્રસંગે VSSM ના સ્થાપક ટ્રસ્ટી મિત્તલબેન પટેલે શાબ્દિક સ્વાગત કરતાં કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલતા અને સમગ્ર વહીવટી તંત્રના સહકારને પરિણામે વિચરતી જાતિઓના કલ્યાણ માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ સંસ્થામાં વિવિધ સ્વરૂપે દાન આપનારા ભામાશાઓના લીધે જ આજે ૨ હજારથી વધુ ઘરનું નિર્માણ, ૧૩ હજાર પરિવારોને સ્વાવલંબી બનાવવા લોન, ૪૭૦ તળાવો ઊંડા કરવા અને વૃક્ષપરોપણ જેવા ભગીરથ કાર્યો શક્ય બન્યા છે.
મિત્તલબેને આપણી ‘વસુધૈવ કુટુંબકમ્’ની સંસ્કૃતિને યાદ અપાવતા, સમાજના શ્રેષ્ઠીઓને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાની ધન-સંપદાનો અમુક ભાગ આ વાદી, મદારી, સરાણીયા અને કાંગસિયા જેવા પરિવારોના ઉત્કર્ષ માટે વાપરે. અંદાજે ૨૦ વર્ષ પહેલાં તંબુશાળાથી શરૂ થયેલી આ સફર આજે અનેક કાર્યકરોની રાત-દિવસની મહેનતથી એક ભવ્ય શૈક્ષણિક સંકુલ સુધી પહોંચી છે. ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વિચરતી જાતિઓ માટે જે અભૂતપૂર્વ કાર્ય થયું છે, તે ખરેખર ગૌરવપ્રદ છે.
આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ગાંધીનગરના કલેક્ટર રવિન્દ્ર ખતાલે,ભગવાનદાસ પંચાલ, દાતા રોનકભાઈ નાયક, આરતી પરિવાર સંકુલની ભૂમિના દાતા ચંદ્રકાન્તભાઈ ગોગરી, ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના પ્રમુખ ઉદયભાઈ દેસાઇ, પ્રતુલભાઈ શ્રોફ, VSSMના પ્રમુખ લીલાધર ગડા, ટ્રસ્ટીગણ, સામાજિક અગ્રણીઓ, શાળા પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિચરતા સમુદાયના પરિવારો અને બાળકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
