તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
સુરતના લસકાણા સ્વામિનારાયણ મંદિરના પ્રિયદર્શન સ્વામીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : આપઘાતના પ્રયાસ બાદ દમ તોડતા ધાર્મિક જગતમાં ચકચાર
મોબાઈલ, કોલ ડિટેલ અને સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરવા પોલીસ સમક્ષ ઉઠતી માંગ : બ્લેકમેઈલિંગ અને માનસિક ત્રાસની આશંકા સાથે સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિની લેખિત રજૂઆત

સુરત : વડતાલ તાબા હેઠળના લસકાણા સ્વામિનારાયણ મંદિરના અગ્રણી સંત પ્રિયદર્શન સ્વામીના નિધનને પગલે સમગ્ર હરિભક્ત સમાજ અને સાધુ સંપ્રદાય સ્તબ્ધ થઈ ગયો છે. જીવન ટૂંકાવવાના આશયથી ગત દિવસોમાં અતિશય માત્રામાં ઊંઘની ગોળીઓ ગળી જનારા સ્વામીજી હોસ્પિટલના બિછાને જિંદગીની જંગ હારી ગયા છે. આ કરુણાંતિકા બાદ સુરતના ધાર્મિક વર્તુળોમાં ઘેરા શોકની સાથે અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.
આપઘાતના કેસમાં નવો વળાંક - બ્લેકમેઈલિંગની આશંકા
સંત પ્રિયદર્શન સ્વામીના મોતના આ ચકચારી કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા સુરત પોલીસને આ મામલે લેખિતમાં એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે કોઈ અજ્ઞાત વ્યક્તિ અથવા તત્વો દ્વારા સ્વામીજીને શારીરિક કે માનસિક ત્રાસ, ધમકી, દબાણ અથવા બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા હોઈ શકે છે. આ માનસિક દબાણથી કંટાળીને જ તેમણે આવું આકરું અને અંતિમ પગલું ભર્યું હોવાની પ્રબળ સંભાવના છે. સમિતિએ લાખો હરિભક્તોની ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તે રીતે આ કેસની ખૂબ જ ગંભીરતાથી અને તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરવા માંગ કરી છે.
ટેકનિકલ પુરાવાઓ અને સંતોના નિવેદનો લેવા માંગ:
સમિતિ દ્વારા સુરત પોલીસ સમક્ષ ઘટનાસ્થળની સંપૂર્ણ અને ઝીણવટભરી તપાસ કરવાની ન્યાયિક માંગણી મૂકવામાં આવી છે. આ તપાસ અંતર્ગત પ્રિયદર્શન સ્વામીના મોબાઈલ ફોનની વિગતવાર કોલ ડિટેલ્સ (CDR), વોટ્સએપ મેસેજ તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક ચકાસણી કરવા જણાવાયું છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં લાગેલા તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ કબ્જે કરી તેની તપાસ કરવા તેમજ લસકાણા મંદિરના અન્ય તમામ સંતો અને ટ્રસ્ટી મંડળના સભ્યોના સત્તાવાર નિવેદનો નોંધીને સત્ય બહાર લાવવા આગ્રહ કરાયો છે.
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો:
આ ચકચારી ઘટનાની વ્યાપકતા અને ગંભીરતાને જોતાં લસકાણા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે હાલ પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સ્વામીજીને આત્મહત્યા કરવા માટે મજબુર કરનારા કારણો શોધવા માટે પોલીસ દ્વારા તમામ પાસાઓ પર ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
