News of Friday, 24th April 2026
રાજ્યમાં સર્વત્ર ભાજપા તરફી માહોલ:આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ જ્વલંત વિજય મેળવશે:છેલ્લા ૩૦ વર્ષથી ભાજપા સરકારે નક્કર કામગીરી કરી :ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત મહાનગરમાં વરાછા અને કતારગામ ખાતેભાજપના રોડ શો યોજાયા: ઠેર-ઠેર પુષ્પવર્ષા, કેસરીયા સાફા, લહેરાતા પક્ષના ધ્વજ અને પારંપરિક ઢોલ-નગારાના નાદ, વડીલોના આશીર્વાદ અને યુવાઓના જોશ વચ્ચે સર્જાયેલું દ્રશ્ય એક રાજકીય આયોજન નહીં, પરંતુ જનતાના ભાજપા માટેના અતૂટ વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક બની રહ્યું

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પ્રચાર અભિયાન અંતિમ ચરણમાં છે ત્યારે આજે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત મહાનગરમાં વરાછા અને કતારગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના બે ભવ્ય રોડ શો યોજાયા હતા. પ્રચંડ રોડ-શો ની પૂર્ણાહુતિ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કતારગામ ખાતે વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરાછાનો રોડ શો સીમાડા નાકા થી શરૂ થઈ નાના વરાછા, કલા કુંજ મંદિર, BAPS મંદિર, પી.પી. સવાણી (માણીયા) હોસ્પિટલ, કાપોદ્રા થી પસાર થઈ હીરાબાગ સર્કલ પાસે સંપન્ન થયો હતો. ત્યારબાદ કતારગામના રોડ-શો નું પ્રસ્થાન ધોળકિયા ગાર્ડન થી થયું હતું જે સિંગણપોર ચાર રસ્તા ખાતે સમાપ્ત થયો હતો.
માર્ગની બંને બાજુએ ઉમટી પડેલા નાગરિકોના ચહેરા પરનો ઉત્સાહ અને ગગનભેદી 'જય શ્રી રામ', 'ભારતમાતા કી જય' અને ‘વંદે માતરમ્’ના નારાઓએ વાતાવરણમાં એક અનોખી ઊર્જા ભરી દીધી હતી. ઠેર-ઠેર પુષ્પવર્ષા, કેસરીયા સાફા, લહેરાતા પક્ષના ધ્વજ અને પારંપરિક ઢોલ-નગારાના નાદ, વડીલોના આશીર્વાદ અને યુવાઓના જોશ વચ્ચે સર્જાયેલું આ દ્રશ્ય માત્ર એક રાજકીય આયોજન નહીં, પરંતુ જનતાના અતૂટ વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક બની રહ્યું હતું. રોડ- શો દરમિયાન નાગરિકોના હૃદયમાં વિકાસ અને ભાજપા માટેની પ્રબળ વિશ્વાસની ભાવના સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
કતારગામ ખાતે વિશાળ જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્યમાં સર્વત્ર ભાજપા તરફી માહોલ છે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ જ્વલંત વિજય મેળવશે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ચૂંટણી આવે એટલે વિપક્ષ અપપ્રચાર કરે, ભ્રમ ફેલાવતી રિલ પણ વાયરલ થાય પરંતુ જનતાનો વિશ્વાસ માત્ર કામ કરનારા પર જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે તેનો મોટો લાભ ગુજરાતને મળ્યો છે. છેલ્લા ૩૦ વર્ષથી ભાજપા સરકારે ગુજરાતમાં નક્કર કામગીરી કરી છે. ભાજપાએ જે કહ્યું તે કરી બતાવ્યું છે.
પટેલે ગુજરાતને દેશનું 'ગ્રોથ એન્જિન' બનાવવાનો શ્રેય વડાપ્રધાનશ્રીના વિઝનને આપતા તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત'ની સફળતાને કારણે આજે રાજ્યમાં ૧૦૦થી વધુ મોટી ગ્લોબલ કંપનીઓ કાર્યરત છે. MSME ક્ષેત્રે પણ અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે, જ્યાં અગાઉ માત્ર ૧.૮૧ લાખ એકમો હતા, તેની સામે આજે ૨૭ લાખથી વધુ MSME કાર્યરત છે. વિપક્ષની બેરોજગારીની વાતોને નકારતા તેમણે પડકાર ફેંક્યો કે, ગુજરાત આજે દેશમાં ફાઈનાન્શિયલ પોઝિશનમાં અગ્રેસર અને સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. આયુષ્માન ભારત યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે ગર્વભેર કહ્યું કે મોદીજીએ ગરીબોને ૧૦ લાખ સુધીની મફત સારવારની ખાતરી આપી છે.
તેમણે કહ્યું કે, 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે રોડ મેપ તૈયાર છે, રાજ્યને ૬ રિજિયનમાં વહેંચી વર્ષ ૨૦૪૭ સુધીનું આયોજન તૈયાર કરાયું છે. તેમણે સુરતના વિકાસ માટે સરકારની કટિબદ્ધતા દોહરાવતા 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'ના મંત્ર સાથે આગામી ૨૬ તારીખે મહત્તમ મતદાન કરી ભાજપાના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઇ કોરાટ, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ પરેશભાઇ પટેલ, સાંસદ મુકેશભાઇ પટેલ, પુર્વ કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ અંજુબેન વેકરિયા, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, અગ્રણીઓ, કાર્યકરો તેમજ સુરતના નાગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
