<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ગુજરાતની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ: જાણો નવા હોદ્દેદારોના નામ

ભાવનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, ખેડા, પાટણ, રાજકોટ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં સામાન્ય સભાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષોની પસંદગી

અમદાવાદ : રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ રાજ્યની વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટી અને રાજકીય સુકાન સંભાળવા માટે હોદ્દેદારોની વરણી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળ્યો હતો. ભાવનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, ખેડા, પાટણ, રાજકોટ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં યોજાયેલી સામાન્ય સભાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ક્યાંક ભાજપનો દબદબો જોવા મળ્યો તો ક્યાંક અપક્ષના વિજયે નવા સમીકરણો રચ્યા હતા 

ભાવનગર

ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં જેસર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વિજયસિંહ સરવૈયા અને ઉપપ્રમુખ તરીકે લાખાભાઈ ભમ્મરની વરણી થઈ હતી.

સિહોર તાલુકા પંચાયતમાં વિમળાબેન ચૌહાણ પ્રમુખ અને પ્રવીણભાઈ સોલંકી ઉપપ્રમુખ બન્યા હતા.

વલ્લભીપુરમાં એક નોંધપાત્ર ઘટનાક્રમમાં અપક્ષ ઉમેદવાર આશાબેન હાડા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે હરદીપસિંહ ગોહિલ ની નિયુક્તિ થઈ હતી.

અમદાવાદ

અમદાવાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં સુરજીત સિંહ ગોહિલ પ્રમુખ પદે, ભાવિનીબેન પટેલ ઉપપ્રમુખ પદે અને મહેશભાઈ પરમાર કારોબારી ચેરમેન તરીકે પસંદ થયા હતા.

મહેસાણા

મહેસાણામાં નીતિન પટેલ ખરોડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને માસંગજી ઠાકોર ઉપપ્રમુખ બન્યા હતા.

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં રીનાબેન પટેલ પ્રમુખ અને દીવાનજી ઠાકોર ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયા હતા. અરવલ્લીમાં મયુર પટેલ પ્રમુખ અને રાજની પટેલ  ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ખેડા

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા પંચાયતમાં રમીલાબેન સોલંકી પ્રમુખ અને નીતાબેન રાઠોડઉપપ્રમુખ બન્યા હતા, જ્યારે ઠાસરામાં કોમલબેન સોલંકી  પ્રમુખ અને મહેન્દ્રસિંહ પરમાર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. મોરબીમાં ગીતાબેન દુબરીયા પ્રમુખ અને વિજય ગરચર ઉપપ્રમુખ બન્યા હતા.

છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં રમેશ રાઠવા પ્રમુખ અને સુરજી રાઠવા  ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જીનલબેન પટેલ પ્રમુખ અને મિતલબેન દેસાઈઉપપ્રમુખ બન્યા હતા.

રાજકોટ

રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વિજયાબેન દાફડાની અને ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન ખુટની નિમણૂક કરવામાં આવી છે. સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજકોટ જિલ્લાની 11 તાલુકા પણ પંચાયતમાં ભાજપ શાસિત છે. ત્યારે રાજકોટ જિલ્લા પ્રથમવાર તમામ તાલુકા પંચાયત ભાજપના હાથમાં આવી છે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયત પર ભાજપે જીત મેળવીને વહીવટ પોતાના હસ્તક કર્યો છે. અહીં કુલ 18 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 9 બેઠકો, આમ આદમી પાર્ટી (AAP) ને 7 બેઠકો અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી હતી. આ પરિણામો બાદ તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના વિમલભાઈ વાડોદરિયા અને ઉપપ્રમુખ તરીકે દેવીબેન ઉકાભાઈ ચાંડેરાની સત્તાવાર વરણી કરવામાં આવી છે.

કોડીનાર

ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપતા ભાજપ પાસેથી સરકી ગઈ છે. ત્રણ દાયકા પછી કોંગ્રેસે કબજો કર્યો છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે અનૂપા બેન રાજેન્દ્રભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ તરીકે હર્ષાબેન મયુરભાઈ ગાધેની નિમણૂક કરવામાં આવી છે.જયારે કારોબારી તરીકે અપક્ષ ઉમેદવાર અસ્મિતાબેન અનિરુદ્ધ ભાઈ જાદવની વરણી કરવામાં આવી છે.

વાવ થરાદ જિલ્લા પંચાયત

નવનિર્મિત વાવ થરાદ જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ ભવ્ય વિજય મેળવીને પોતાનો કબ્જો જમાવ્યો છે. કુલ 30 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે 10 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. આ જીત બાદ યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રતનીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશ ચૌધરીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, કારોબારી ચેરમેન તરીકે ધુખાજી ઠાકોર અને દંડક તરીકે ભાવનાબેન ચરમટાની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત (તાલુકા પંચાયતો)

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના શાનદાર વિજય બાદ તમામ 10 તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાની તમામ 10 તાલુકા પંચાયતોમાં સર્વાનુમતે પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો જાહેર કરાયા છે. જેમાં પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નબુબેન નાનુભાઈ ચાવડા, ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ચંદુભાઈ માલકિયા અને કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ કાનજીભાઈ પટેલની વરણી થઈ છે. જ્યારે લખતર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સુષ્માબા ક્રિપાલસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે સુરતીબેન ઘનશ્યામભાઈ ઉપદળા અને કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ અમૃતભાઈ થડોદાની સર્વાનુમતે પસંદગી કરાઈ છે.

અમદાવાદ

અમદાવાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે વિધિવત રીતે યોજાઈ ગઈ છે. આ બેઠકમાં સુરજીત સિંહ વખતસિંહ ગોહિલે બપોરે 12:39 વાગ્યાના શુભ મુહૂર્તમાં પોતાની ચેમ્બરમાં પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રથમ બેઠકમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને પક્ષના દંડક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભામાં તમામ પદાધિકારીઓની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ તરીકે ભાવિનીબેન નિખિલભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે મહેશ કુમાર મફાજી પરમારે પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો.

દાહોદ

દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાની સત્તા જળવી રાખી છે. કુલ 50 બેઠકોમાંથી ભાજપને ફાળે 37 બેઠકો મળતા બહુમતી સાથે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ગમાબેન મોહનીયા અને ઉપપ્રમુખ પદે વિજયસિંહ આમલીયારની પસંદગી થઈ છે. આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે સંગીતાબેન પટેલ, પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર સંગાડા અને દંડક તરીકે અનિલ ભુરીયાની વરણી કરવામાં આવી છે.

ડાંગ

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પણ ઉત્સાહભેર સંપન્ન થઈ છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજેશ ગામીત અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળ્યા બાદ નવા પ્રમુખ રાજેશ ગામીતે ડાંગના સર્વાંગી વિકાસની સાથે જિલ્લાની પાણીની ગંભીર સમસ્યાના ઉકેલ માટે પ્રાથમિકતાથી કામ કરવાની જાહેરાત કરી છે.

પાટણ

પાટણના સરસ્વતી તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. સરસ્વતી તાલુકા પંચાયતમાં 12 ભાજપ 12 કોંગ્રેસ આવતા ટાઈ પડી હતી જેથી ચીઠ્ઠી ઉછાળીને પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરાયા છે જેમાં ભાજપના પ્રમુખ પદે ગીતાબેન લક્ષ્મણભાઈ રબારીની ચીઠ્ઠી માં ભવિષ્ય નક્કી થયું છે.

(2:03 PM IST)