News of Tuesday, 22nd September 2026
સમગ્ર ગુજરાતમાં ગુજકોસ્ટ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ અને તાર્કિક વિચારસરણીનો સંચાર કરવા 'રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ'નું આયોજન
સમાજમાં સત્ય, તર્ક અને જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહિત કરવા તથા પરંપરાગત વહેમો અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થઈ પ્રગતિશીલ વિચારધારા કેળવવાના શુભ આશય સાથે કાર્યક્રમ

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્તરે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા એક અનોખી અને સકારાત્મક પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજકોસ્ટ દ્વારા સેવા સકલ્પઅભિયાનનો વ્યાપ વિસ્તારીને સમાજના માનસપટલમાં તાર્કિકતા, જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું સિંચન કરવાનો ઉમદા સંકલ્પ લીધો છે. સમાજમાં સત્ય, તર્ક અને જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહિત કરવા તથા પરંપરાગત વહેમો અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થઈ પ્રગતિશીલ વિચારધારા કેળવવાના શુભ આશય સાથે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM), ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭'નું આયોજન કરવામાં આવ્યું છે. નાટ્યકળા જેવા જીવંત, લોકભોગ્ય અને સંવેદનશીલ માધ્યમ દ્વારા વૈજ્ઞાનિક જ્ઞાનનો પ્રચાર કરી નવી પેઢીમાં વૈચારિક સમૃદ્ધિ લાવવાનો આ પ્રયાસ છે.
રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનના સાથે સુસંગત રહીને યોજાઈ રહેલા આ મહોત્સવમાં ગુજરાતભરની શાળાઓમાંથી ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓની ૩૦૦થી વધુ નાટ્ય ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ વર્ષે મહોત્સવનો મુખ્ય વિષય "વિજ્ઞાન અને સમાજ" નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): મિત્ર, ઉપકરણ કે ખતરો?, ઇલેક્ટ્રિક વાહનો (EV): આગળનો માર્ગ, આંતરતારકીય આવાસ (Interstellar Habitats) તેમજ મહાસાગરોની પુનઃસ્થાપના: ભાવી પેઢીઓનું સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાની મૌલિક અને પ્રેરણાદાયી કૃતિઓ રજૂ કરશે.
રાજ્યના તમામ ૩૪ જિલ્લાઓમા આ વૈજ્ઞાનિક નાટ્ય મહોત્સ્વનુ આયોજન તા. ૨3 સપ્ટેમ્બર ૨૦૨૬થી ૦૩ ઓક્ટોબર૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે, જ્યાં પ્રતિ કેન્દ્ર ૧૦ થી ૧૨ શાળાઓની ટીમો મહત્તમ ૩૦ મિનિટ અને ૮ કલાકારોની મર્યાદામાં પોતાની કળાનું પ્રદર્શન કરશે. જિલ્લા સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમે વિજેતા બનેલી ટીમો તારીખ ૧૪-૧૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે આયોજિત બે દિવસીય રાજ્ય કક્ષાના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે.
આ પ્રસંગે બોલતાં ગુજકોસ્ટનાં ડિરેક્ટર જનરલ દિગ્વિજ્યસિંહ જાડેજા, IAS એ જણાવ્યું હતું કે રાજ્યનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનાં માર્ગદર્શન હેઠળ અને માનનીય સચિવ પી. ભારતી, IAS ના વડપણ હેઠળ ગુજકોસ્ટ (GUJCOST) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કટિબદ્ધ છે. આ નાટ્ય મહોત્સવ શ્રેણી દ્વારા સરળ શૈલીમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ને સમજાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.
રાજ્ય સ્તરની વિજેતા ટીમ ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ ખાતે પશ્ચિમ ઝોનલ સ્પર્ધામાં અને ત્યારબાદ ૬ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ સાયન્સ સિટી, કોલકાતા ખાતે યોજાનારા રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ભૌતિક પરિસરની સ્વચ્છતાની સાથોસાથ નાગરિકોના વિચારોમાં વિજ્ઞાન અને તર્કના નવા રંગો પૂરતો ગુજકોસ્ટનો આ પ્રયાસ ગુજરાતને આધુનિક, જ્ઞાનસભર અને પ્રગતિશીલ દિશામાં આગળ ધપાવવામાં પ્રેરક બળ પૂરું પાડશે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
