<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

DGP કચેરીના 'જનસંપર્ક કાર્યાલય' થકી પ્રજાના પ્રશ્નોનું ત્વરિત અને પરિણામલક્ષી નિરાકરણ : ૮ મહિનામાં ૩૧૦ રજૂઆતો સાંભળી ૨૮ ગંભીર બાબતોમાં FIR નોંધી

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા લો એન્ડ ઓર્ડર DGP રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અરજદારો માટે ન્યાયનું કિરણ બન્યું કાર્યાલય : નાગરિકો તરફથી મળ્યો 'Excellent' પ્રતિસાદ : ખોટી રજૂઆત કરનારા ૮ અરજદારો સામે પણ કાયદેસર કાર્યવાહી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય મળે તેવા સંકલ્પ સાથે ગાંધીનગર પોલીસ ભવન ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ સામાન્ય નાગરિકો માટે અત્યંત વિશ્વાસપાત્ર સેતુ બની ગયું છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા લો એન્ડ ઓર્ડર DGP રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મોનિટરિંગ હેઠળ આ કાર્યાલય દ્વારા નાગરિકોની રજૂઆતોનું સમયબદ્ધ નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૬થી કાર્યરત આ કાર્યાલયમાં માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાંથી ૩૧૦ જેટલા અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈને રજૂઆતો નોંધાવી છે.

કચ્છ, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના છેવાડાના વિસ્તારોમાંથી આવતા દરેક અરજદારને પોલીસ ભવન પહોંચતા જ પૂરા સન્માન અને ધીરજથી સાંભળવામાં આવે છે. સમર્પિત ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી પલક પટેલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.જી. બારડ તથા એમ.જે. પટેલ, હેડ કોન્સ્ટેબલ મણીલાલ વણગઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. આ ટીમ SOP મુજબ અરજી નોંધણી કરીને સંબંધિત શહેર કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તુરંત ટેલિફોનિક સંકલન સાધી જરૂરી સૂચનાઓ આપે છે.

જનસંપર્ક કાર્યાલયમાં આવેલી અરજીઓના તથ્યો અને પુરાવાઓના આધારે ગુણદોષ ચકાસીને કાયદેસર પગલાં લેવામાં આવે છે. ગંભીર અને તથ્યપૂર્ણ જણાયેલી બાબતોમાં સંબંધિત પોલીસ સ્ટેશનો મારફતે તુરંત ૨૮ FIR દાખલ કરાવાઈ છે. આ ઉપરાંત આશરે ૬૭ જેટલી અરજીઓમાં ઉચ્ચ સ્તરેથી ‘Progress Report’ મંગાવી સતત એન્ડ-ટુ-એન્ડ ફોલોઅપ લેવાયું છે. બીજી તરફ, તપાસ દરમિયાન બદઈરાદાપૂર્વક કે ખોટી રજૂઆત કરનારા ૮ અરજદારો સામે પણ કાયદેસર પગલાં લેવાયા છે. કાર્યાલયની મુલાકાતે આવતા નાગરિકો પાસેથી ભરાવવામાં આવતા 'Feedback Form' માં પોલીસ સ્ટાફના નમ્ર વર્તન અને ત્વરિત કામગીરી બદલ નાગરિકો તરફથી એકમતે "Excellent" રેટિંગ આપવામાં આવ્યું છે.

(3:43 PM IST)