<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા: ગોધરામાં મહિલા ASI અને હોમગાર્ડ જવાને સરકારી નાણાંની ઉચાપત કરી :પંથકમાં ચકચાર

મહિલા ASI અને હોમગાર્ડ જવાને મિલીભગત કરી ટ્રાફિક બ્રિગેડના જવાનોના હકના લાખો રૂપિયા પોતાના સગાંઓના ખાતામાં ટ્રાન્સફર કરી ઉચાપત કરી

પંચમહાલ જિલ્લામાં સરકારી નાણાંની હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનું સામે આવ્યું છે. ગોધરામાં ફરજ બજાવતા એક મહિલા ASI અને હોમગાર્ડ જવાને મિલીભગત કરી ટ્રાફિક બ્રિગેડના જવાનોના હકના લાખો રૂપિયા પોતાના સગાંઓના ખાતામાં ટ્રાન્સફર કરી ઉચાપત કરી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓની તપાસ બાદ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં સરકારી નાણાંની ઉચાપતનો વધુ એક ગંભીર બનાવ સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ગોધરા સીટી ટ્રાફિક પોલીસ શાખામાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ. સમરથબેન નાઈ અને પંચમહાલ એસ.પી. કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન વિજયભાઈ ડામોર દ્વારા આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સાબિત થયું છે. વિગતો મુજબ, આ બંને કર્મચારીઓએ સાથે મળીને ટ્રાફિક બ્રિગેડના સભ્યોને મળવાપાત્ર માનદ ભથ્થાના નાણાંમાં મોટી છેડછાડ કરી હતી.

આ કૌભાંડનો સમયગાળો જૂન 2024 થી ફેબ્રુઆરી 2025 વચ્ચેનો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સમય દરમિયાન, આરોપી મહિલા ASIએ ગોધરા ટ્રાફિક બ્રિગેડના સભ્યોના સત્તાવાર રેકોર્ડ અને યાદીમાં ફેરફાર કર્યો હતો. તેમણે ખરેખર ફરજ બજાવતા જવાનોના નામોની જગ્યાએ અથવા તેમની વિગતોમાં છેડછાડ કરીને પોતાના પરિવારના સભ્યોના નામ અને બેંક એકાઉન્ટ નંબર ઘુસાડી દીધા હતા.

 

આ રીતે, ટ્રાફિક બ્રિગેડના જવાનોના પરસેવાની કમાણીના કુલ રૂ. 6.49 લાખ સરકારી તિજોરીમાંથી સીધા તેમના સંબંધીઓના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. સરકારી નાણાંની આ ઉચાપત લાંબા સમય સુધી ચાલી હતી, પરંતુ ઓડિટ અથવા આંતરિક તપાસ દરમિયાન રેકોર્ડમાં વિસંગતતા જણાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સરકારી નાણાં સગેવગે કરવા માટે વ્યવસ્થિત રીતે ડોક્યુમેન્ટ્સમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ પોલીસ વિભાગની આંતરિક વહીવટી પ્રક્રિયા અને પારદર્શિતા સામે પણ સવાલો ઉભા કર્યા છે. હાલમાં આ બંને આરોપીઓ સામે ઉચાપત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ કડક તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(12:13 AM IST)