<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

રાધનપુર-પાલનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, વૃક્ષોને પાણી છાંટતા ટેન્કરને ટ્રેલરે મારી ટક્કર : બેનાં મોત: એક ઘાયલ

સીનાડ ગામ નજીક સર્જાયો અકસ્માત, ટ્રક અને ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે જ મોત : હાઈવે પર કામગીરી દરમિયાન સુરક્ષાના સાધનોના અભાવે અનેક સવાલો ઉભા થયા

(જયંતિભાઈ ઠકકકર દ્વારા)પાટણ તા.૧૦ : રાધનપુર-પાલનપુર હાઈવે પર સીનાડ ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.

 

હાઈવે પર વૃક્ષોને પાણી છાંટવાની કામગીરી ચાલી રહી હતી. શ્રમિકો પાણીના ટેન્કરથી વૃક્ષોને પાણી છાંટી રહ્યા હતા. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવેલા એક ટ્રક ટ્રેલરે ટેન્કરને જોરદાર ટક્કર મારી હતી.

 

ટક્કર એટલી ભયાનક હતી કે, ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં ટ્રક ચાલક અને ટેન્કર ચાલકને ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા રાધનપુર પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

હાઈવે પર વૃક્ષોમાં પાણી છાંટવા જેવી કામગીરી દરમિયાન વાહનોની અવરજવર વચ્ચે શ્રમિકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા હતી કે નહીં, તે અંગે સવાલો ઉભા થયા છે. કામગીરીના સ્થળે બેરિકેડિંગ, ચેતવણીના ચિહ્નો અને અન્ય જરૂરી સુરક્ષા સાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં, તેની તપાસ થવી જરૂરી છે.

 

હાઈવે પર માર્ગની જાળવણીની કામગીરી દરમિયાન શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અકસ્માતે હાઈવે પર કામ કરતા શ્રમિકોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે.

(12:11 PM IST)