<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ શહેર અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત:વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે વિરમગામ શહેર અને તેની આસપાસના સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

 

વિરમગામ શહેર ઉપરાંત નળકાંઠાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ટૂંક જ સમયમાં પંથકમાં 1 ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સાર્વત્રિક વરસેલા આ ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ રસ્તાઓ અને ખેતરો પાણી-પાણી થઈ ગયાં છે.

 

વિરમગામ શહેરમાં ટૂંક સમયમાં ખાબકેલા ભારે વરસાદના કારણે વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. શહેરના ભરવાડી દરવાજા, નાના-મોટા પરકોટા, કસ્ટમ રોડ સહિતના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

(10:06 PM IST)