<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રાજ્યના 195 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ:અનેક સ્થળોએ રસ્તાઓ, કોઝવે અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ

સુરત અને નવસારી જિલ્લા સહીત વલસાડમાં પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા : કુલ 75 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ:જિલ્લા વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓની જળસપાટી વધી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજ્યના કુલ 195 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અનેક સ્થળોએ રસ્તાઓ, કોઝવે અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

 

છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ 18.19 ઇંચ વરસાદ નોંધાયો છે. કામરેજમાં 17.40 ઇંચ, સુરત શહેરમાં 14.09 ઇંચ અને બારડોલીમાં 9.39 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે ખાડીઓ અને નાળાઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે.

 

નવસારી જિલ્લામાં 15.28 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. જલાલપોરમાં 11.02 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં 12.68 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક ગામોમાં સંપર્ક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે.

 

રાજ્યના કુલ 75 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જિલ્લા વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે અને નદી કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

(1:42 PM IST)