News of Friday, 24th July 2026
ડાંગ જિલ્લામાં વરસાદનો વિરામઃ ૨૩ રસ્તાઓ પર વાહન વ્યવહાર પૂર્વવત
જિલ્લા તંત્રની નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ

અમદાવાદ, તા.૨૪: ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા ભારે વરસાદને પગલે અનેક કોઝવે અને નાના પુલો ઉપરથી પાણી વહેતાં વાહનવ્યવહારને અસર થવા પામી હતી. જેને પગલે ગઈ કાલે સાંજે જિલ્લાના ૪૧ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા હતા. માર્ગ અને મકાન વિભાગની તા.૨૪ ના સવારે ૮ વાગ્યાની સ્થિતિ મુજબ આ ૪૧ માર્ગો પૈકી આજ સવારે ૮ વાગ્યા સુધી જિલ્લાના ૨૩ માર્ગો ઉપરથી પાણી ઓસરતાં હાલે કુલ ૧૮ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રહેવા પામ્યા છે.
બંધ કરાયેલા મોટાભાગના માર્ગો વઘઈ તાલુકાના છે, જ્યાં કોઝવે, માઇનોર બ્રિજ અને સ્લેબ ડ્રેન ઉપરથી પાણી ઓવરટોપિંગ થવાને કારણે સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરવામાં છે, અને પાણીનું સ્તર ઘટતા માર્ગો પુનઃ શરૂ કરવામાં આવશે.
જિલ્લા કન્ટ્રોલ રૂમના વરસાદના અહેવાલ મુજબ તા.૨૩ જુલાઈના ૨૪ કલાક દરમિયાન વઘઈ તાલુકામાં ૩૬૭ મી.મી., આહવામાં ૨૧૨ મી.મી. અને સુબીરમાં ૨૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાનો સરેરાશ વરસાદ ૨૬૩.૩૩ મી.મી. નોંધાયો છે.
જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને નદી, નાળા અને કોઝવે પરથી પાણી વહેતું હોય ત્યારે પસાર થવાનો પ્રયાસ ન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માર્ગો અંગેની નવીનતમ માહિતી માટે સંબંધિત વિભાગ તથા જિલ્લા કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
