News of Sunday, 2nd August 2026
વડોદરામાં વરસાદી કહેરઃ શિનોરમાં ૫.૬૭ લાખનું ખાતર નષ્ટ, સાવલીમાં ગામ સંપર્કવિહોણુ
ભારે વરસાદથી કૃષિ, માર્ગવ્યવહાર અને જનજીવન પ્રભાવિત; તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે અને રાહત કામગીરી તેજ

વડોદરા: વડોદરા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શિનોર તાલુકામાં ભારે વરસાદના કારણે પૂરના પાણી ગોડાઉનમાં ઘૂસી જતાં લાખો રૂપિયાનું ખાતર નષ્ટ થયું છે, જ્યારે સાવલી તાલુકાના ભવાનીપુરા ગામનો સંપર્ક તૂટી ગયો છે. બીજી તરફ, વરસાદી સંકટ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાએ સતત કામગીરી કરીને છેલ્લા ત્રણ દિવસમાં ૭૩૦થી વધુ ઇમરજન્સી કેસોમાં દર્દીઓને સમયસર સારવાર પહોંચાડી સરાહનીય કામગીરી કરી છે.શિનોર તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાતા ખરીદ-વેચાણ સંઘના ખાતરના ગોડાઉનમાં પાણી ઘૂસી ગયું હતું. પાણી ભરાવાને કારણે અંદાજે ૧,૯૯૪ ખાતરની બેગ સંપૂર્ણપણે ઓગળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં સંઘને અંદાજે ૫.૬૭ લાખનું આર્થિક નુકસાન થયું છે. નુકસાની અંગે મામલતદાર કચેરી અને વીમા કંપનીને જાણ કરવામાં આવી છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
સાવલી તાલુકામાં ભારે વરસાદના કારણે ભવાનીપુરા ગામ નજીકનું તળાવ છલકાતાં પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું. પરિણામે ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તાત્કાલિક અસરથી તૂટી ગયો હતો. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ રાહત તથા સુરક્ષાની કામગીરી હાથ ધરી રહ્યું છે.
વરસાદી આફત વચ્ચે ૧૦૮ ઇમરજન્સી સેવા પણ સતત સક્રિય રહી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં ૭૩૦ ઇમરજન્સી કેસમાં દર્દીઓને સમયસર સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
ભારે વરસાદ, પાણી ભરાવા અને મુશ્કેલ માર્ગો છતાં ૧૦૮ની ટીમોએ અનેક સ્થળોએ પહોંચી દર્દીઓના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
