News of Monday, 4th May 2026
રાજપીપળા કોર્ટે ચેક રિટર્નના ત્રણ અલગ અલગ કેસમાં પાલઘરના વેપારીને એક વર્ષની કેદની સજા ફટકારી
કોર્ટે ત્રણેય કેસોમાં આરોપીને ચેકની રકમ રૂ. 3.15 લાખ 60 દિવસમાં 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો, રકમ ન ચૂકવે તો વધુ 4 માસની સજા

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા જીઆઈડીસીમાં સોડા બોટલિંગનો વ્યવસાય કરતા વેપારી સાથે થયેલી છેતરપિંડીના કેસમાં નર્મદા જિલ્લાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પાલઘરના એન્જિનિયરિંગ વર્ક્સના પ્રોપરાઈટરે મશીનરી ખરીદ્યા બાદ આપેલાચેકોબેંકમાંથી પરત ફરતા કોર્ટે આરોપીને ત્રણ અલગ અલગ કેસમાં 1 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને ત્રણેય કેસોમાં 60 દિવસમાં ચેકની રકમ રૂ. 3.15 લાખ 8 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા અને જીઆઈડીસીમાં સોડા ફેક્ટરી ધરાવતા શિવમકુમાર ભરતભાઈ પંચાલે નવેમ્બર 2023માં પોતાની ફેક્ટરીની જૂની મશીનરીનો સોદો રૂ. 18 લાખમાં પાલઘર (મહારાષ્ટ્ર) ખાતે રહેતા વેપારી રામ સજીવન દુબે સાથે કર્યો હતો. જે પૈકી આરોપીએ ફરિયાદીને રૂ. 2.15 લાખ રોકડા ચૂકવ્યા હતા અને બાકીના રૂ. 15.85 લાખ સમયાંતરે ચેક દ્વારા ચૂકવી દેવાનો વાયદો કર્યો હતો. આરોપીએ આ બાકી રકમ પેટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈ શાખાના અલગ-અલગ તારીખના ચેક આપ્યા હતા.
જેમાંથી રૂ. 3,15,000નો એક ચેક શિવમકુમારે પોતાની બેંકમાં જમા કરાવતા તે ‘NPA એકાઉન્ટ’ના શેરા સાથે પરત ફર્યો હતો. અગાઉ પણ અન્ય ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યા હતા. ચેક રિટર્ન થવા બાબતે વેપારીએ વકીલ પ્રતીક પટેલ મારફતે નોટિસ મોકલી હોવા છતાં આરોપીએ નાણાં ચૂકવ્યા ન હતા કે નોટિસનો કોઈ જવાબ આપ્યો ન હતો. આથી, શિવમકુમાર પંચાલે આરોપી રામ દુબે વિરુદ્ધ રાજપીપળા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસ રાજપીપળાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષના વકીલ પ્રતીક એ પટેલની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટે આરોપી રામ સજીવન દુબેને નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ. 3,15,000 ફરિયાદ દાખલ કર્યાની તારીખથી ચુકાદાની તારીખ સુધી 8 ટકાના સાદા વ્યાજ સાથે 60 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. જો આરોપી આ રકમ ચૂકવવામાં ચૂક કરશે તો તેણે વધુ 4 માસની સાદી કેદ ભોગવવી પડશે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
