News of Tuesday, 28th April 2026
રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ હવે ૩૦ એપ્રિલ, ગુરુવારે યોજાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાગરિકોના પ્રશ્નોનું પ્રત્યક્ષ નિવારણ લાવશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતાને કારણે ૨૩ એપ્રિલનો કાર્યક્રમ મુલતવી રખાયો હતો : નાગરિકો ૩૦મીએ સવારે ૮ થી ૧૧ દરમિયાન સ્વર્ણિમ સંકુલ ખાતે રજૂઆતો કરી શકશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાતો રાજ્ય કક્ષાનો 'સ્વાગત' ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ એપ્રિલ મહિના માટે આગામી ૩૦ એપ્રિલ, ૨૦૨૬ને ગુરુવારના રોજ યોજવામાં આવશે. સામાન્ય રીતે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો આ કાર્યક્રમ આ વખતે પાંચમા ગુરુવારે યોજાનાર છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની આદર્શ આચારસંહિતા અમલી હોવાને કારણે ૨૩ એપ્રિલના રોજ નિર્ધારિત થયેલો આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં શરૂ કરવામાં આવેલ આ અભિગમ ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય જનતાની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે એક સબળ માધ્યમ બન્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત જે નાગરિકો પોતાની ફરિયાદો કે રજૂઆતો કરવા માંગતા હોય, તેઓ ૩૦ એપ્રિલના રોજ સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા દરમિયાન ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ-૨માં આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ ખાતે રૂબરૂ જઈને પોતાની અરજી આપી શકશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુરુવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં વ્યક્તિગત રીતે હાજર રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે અને સંબંધિત વિભાગોને તેના ત્વરિત અને પારદર્શક નિકાલ માટે જરૂરી આદેશો આપશે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
