<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

દૂર-સુદૂરના વિસ્તારો માટે રાહત: હવે દર્દીઓને ખાટલા કે ખભા પર ઊંચકીને નહીં લઈ જવા પડે : મુખ્યમંત્રીએ 51 બાઇક એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી : કપરા રસ્તાઓ પર પ્રથમ પ્રતિભાવ ઝડપી બનશે

પર્વતીય અને દુર્ગમ ગામોમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી ન શકે તેવા સ્થળોએ બાઇક એમ્બ્યુલન્સ જીવ બચાવશે, પ્રાથમિક સારવાર અને દવાઓ સાથે સજ્જ, ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનો લક્ષ્ય

ગાંધીનગર તા.૧૭ : દૂર-દરાજ અને પર્વતીય વિસ્તારોના લોકો માટે આરોગ્ય સેવામાં મોટી રાહત આવી છે. હવે કપરા રસ્તા અને સાંકડી વાટોમાં દર્દીઓને ખાટલા, ચારપાઈ કે ખભા પર ઊંચકીને હોસ્પિટલ સુધી લઈ જવાની વેદના ખતમ થશે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આવા દુર્ગમ વિસ્તારો માટે ખાસ ડિઝાઇન કરાયેલી 51 બાઇક એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને સેવા શરૂ કરાવી છે.

108 એમ્બ્યુલન્સ મોટા રસ્તા અને ગામ સુધી તો પહોંચી જાય છે, પરંતુ પર્વતીય, જંગલ વિસ્તાર અને કાચા રસ્તાવાળા છેવાડાના ગામોમાં પહોંચવામાં ઘણીવાર મોડું થઈ જાય છે. આવા સમયે દર્દીને ખભા પર લઈ જવામાં કિંમતી સમય બગડે છે. આ સમસ્યાના ઉકેલ માટે બાઇક એમ્બ્યુલન્સ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સાંકડી ગલીઓ, કાચા રસ્તા અને પગદંડી પર પણ આ બાઇક એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકશે.

દરેક બાઇક એમ્બ્યુલન્સ પ્રાથમિક સારવાર માટે જરૂરી તમામ સાધનોથી સજ્જ છે. જેમાં ઓક્સિજન સિલિન્ડર, બ્લડ પ્રેશર મશીન, ગ્લુકોમીટર, પ્રાથમિક દવાઓ, ઇન્જેક્શન, પાટા-પટ્ટી અને ઇમરજન્સી કિટનો સમાવેશ થાય છે. સાથે પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ પણ તૈનાત રહેશે, જે ઘટનાસ્થળે જ દર્દીને પ્રાથમિક સારવાર આપીને સ્ટેબલ કરશે અને જરૂર પડે તો મોટી 108 એમ્બ્યુલન્સ સુધી દર્દીને પહોંચાડશે.

આ 51 બાઇક એમ્બ્યુલન્સ ખાસ કરીને એવા વિસ્તારો માટે ફાળવવામાં આવી છે જ્યાં 4 પૈડાની એમ્બ્યુલન્સ પહોંચવી મુશ્કેલ છે. આદિવાસી વિસ્તારો, સરહદી ગામો, ડુંગરાળ પ્રદેશ અને નદી-નાળાવાળા વિસ્તારોના લોકોને સૌથી વધુ ફાયદો થશે. દુર્ઘટના, સાપ કરડવા, પ્રસુતિ કે હૃદયરોગના હુમલા જેવી કટોકટીમાં બાઇક એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચીને જીવ બચાવશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, "આપણી સરકારની પ્રાથમિકતા છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડવાની છે. આ બાઇક એમ્બ્યુલન્સથી દુર્ગમ વિસ્તારના દર્દીઓને સમયસર સારવાર મળશે અને 'ગોલ્ડન અવર'માં હોસ્પિટલ પહોંચાડી શકાશે. હવે કોઈ પણ માતા-બહેન કે વડીલને ખાટલા પર ઊંચકીને ડોક્ટર પાસે નહીં લઈ જવું પડે".

આ પહેલથી રાજ્યના હજારો લોકોને ઘરઆંગણે ઝડપી આરોગ્ય સેવા મળશે અને ઇમરજન્સી દરમિયાન મૂલ્યવાન જીવ બચાવવામાં મદ મળશે

(3:26 PM IST)