News of Monday, 12th October 2026
ગાંધીનગરમાં નવા આંદોલનના એંધાણ :13 પડતર માંગણીઓને લઈને દસ્તાવેજ નોંધણી વિભાગના કર્મચારીઓ સોમવારથી ઉતરશે મેદાનમાં
ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ દ્વારા પોતાની 13 જેટલી પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો મંડાયો:. છેલ્લા ત્રણ વર્ષથી પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ

ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ દ્વારા પોતાની 13 જેટલી પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો મંડાયો છે. છેલ્લા ત્રણ વર્ષથી પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપેલો છે. આ સંદર્ભે મંડળ દ્વારા મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને લેખિત રજૂઆત કરીને પોતાના વિરોધ કાર્યક્રમોની તબક્કાવાર જાહેરાત કરવામાં આવી છે. જો સરકાર દ્વારા માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો 2 નવેમ્બરથી રાજ્યભરની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે, જેનાથી સામાન્ય જનતાને મોટા પાયે મુશ્કેલી પડી શકે છે.
કર્મચારી મંડળ દ્વારા ઘડવામાં આવેલા વિરોધના આયોજન મુજબ, 12 ઓક્ટોબરથી તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવશે અને વિરોધ નોંધાવશે. આ આંદોલનને વધુ તીવ્ર બનાવતા 17 ઓક્ટોબરે કર્મચારીઓ તમામ સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાંથી એક્ઝિટ લેશે. ત્યારબાદ ૨૨ ઓક્ટોબરે રાજ્યભરના કર્મચારીઓ એકસાથે માસ CL પર ઉતરીને સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે. જો આ તમામ વિરોધ પ્રદર્શનો છતાં પરિણામ નહીં મળે, તો ૨ નવેમ્બરથી સંપૂર્ણ કામગીરી ઠપ્પ કરવાની ચીમકી આપવામાં આવી છે.
કર્મચારી મંડળની 13 પડતર માંગણીઓમાં કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. જેમાં ગરવી 2.0 પોર્ટલમાં જરૂરી ટેકનિકલ સુધારા કરવા, કેડર મર્જરની પ્રક્રિયા પૂર્ણ કરવી તથા આધારકાર્ડ સંદર્ભે બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સબ રજીસ્ટ્રાર સામે સીધી FIR નોંધવાની પ્રક્રિયા સામે પણ કર્મચારીઓમાં ભારે અસંતોષ છે. કર્મચારીઓનું કહેવું છે કે વહીવટી પ્રક્રિયાઓ અને સિસ્ટમની ખામીઓના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેથી આ તમામ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.
જો તંત્ર દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓ સમયસર સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી, પ્રોપર્ટી રજીસ્ટ્રેશન અને અન્ય મહત્વપૂર્ણ કામગીરી સંપૂર્ણપણે અટકી જવાની શક્યતા છે. આ હડતાળના કારણે કરોડો રૂપિયાના વ્યવહારો અને સામાન્ય નાગરિકોના રોજિંદા કામકાજ પર ગંભીર અસર પડી શકે છે. હવે સૌની નજર સરકારના આગામી વલણ અને મધ્યસ્થીના પ્રયાસો પર ટકેલી છે
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
