<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

સુરતમાં CNG સર્ટિ વિના દોડતી રીક્ષા હવે નહીં ચાલે : એક જ દિવસમાં 31 રીક્ષા ડિટેન, કાગળોની તપાસ શરૂ

કમિશનરના આદેશ બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં: દબાણ કરતી રીક્ષાઓ સામે કાર્યવાહી

સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં શુક્રવારે સાંજે ધારાસભ્યો અને સાંસદો સાથે યોજાયેલી સંકલન મિટિંગમાં શહેરના ટ્રાફિક પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યો હતો. મિટિંગમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર રીક્ષાચાલકો દ્વારા કરવામાં આવતા દબાણનો મુદ્દો ગંભીરતાથી લેવાયો હતો.

મિટિંગ બાદ પોલીસ કમિશનર ગેહલોતે તાત્કાલિક અસરથી ટ્રાફિક પોલીસ કમિશનર સજનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર તેમજ મદદનીશ પોલીસ કમિશનર ટંડેલ, શેખ, ગામીત અને ભરવાડને સુરતના વિવિધ રસ્તાઓ પર દબાણ કરીને ઊભા રહેતા રીક્ષાચાલકો સામે કડક પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો.

કમિશનરના નિર્દેશને પગલે ટ્રાફિક વિભાગે શનિવાર સવારથી જ શહેરના અલગ અલગ રિજિયનમાં સઘન કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષાઓના વેરિફિકેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી.

ખાસ કરીને શહેરમાં મોટાભાગની રીક્ષાઓ CNG હોવા છતાં ઘણા ચાલકો પાસે CNG ટેસ્ટિંગ સર્ટિફિકેટ હોતું નથી. સર્ટિફિકેટ વિના દોડતી રીક્ષાને કારણે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાને ધ્યાને લઈ પોલીસ કમિશનરે આ બાબતે ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે.

શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ અને પોઈન્ટ પર રીક્ષાચાલકો મનસ્વી રીતે રસ્તા પર દબાણ કરી પેસેન્જર લેવા માટે ઊભા રહી જતા હોય છે. તેના કારણે અન્ય વાહનચાલકોને નાના-મોટા અકસ્માતનો ભય રહે છે. આવા દબાણને દૂર કરવા માટે જ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

મદદનીશ પોલીસ કમિશનર વિમલ ગામીતે માહિતી આપતા જણાવ્યું હતું કે રિજિયન-2 વિસ્તારમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31 જેટલી રીક્ષાઓ અલગ અલગ જગ્યા પરથી ડિટેન કરવામાં આવી છે. આ તમામ રીક્ષાઓ વિરુદ્ધ RTO નિયમો મુજબ તથા અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના અન્ય રિજિયનમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ છે.

 

(2:05 PM IST)