<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

RTO માં ટુ-વ્હીલર અને કારની ફિટનેસ કામગીરી ફરી શરૂ: દર 15 વર્ષ પછી ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત: દર 5 વર્ષે કરાવવું પડશે રી-ચેકિંગ

વાહન ચાલકો પર ફિટનેશ ફી માં ખિસ્સાફાડ વધારો ઝીકાયો: કારની ફી 13,500 અને 20 વર્ષ જૂના વાહનોની ફી 27,000 સુધી પહોંચતા વાહન ચાલકોમાં ભારે રોષ

અમદાવાદ :રાજ્યમાં 8મે થી વાહનોના ફિટનેસની કામગીરી બંધ રહેવાના કારણે અંદાજે 50,000થી વધુ અરજીઓ પેન્ડિંગ થઈ ગઈ હતી. વાહન માલિકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, જ્યાં સુધી ખાનગી સેન્ટરોની સુવિધા કાર્યરત ન થાય, ત્યાં સુધી RTO માં જ ફિટનેસની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

લાંબા સમય સુધી કામગીરી બંધ રહેવાના કારણે જે વાહન માલિકોનું ફિટનેસ બાકી રહી ગયું હતું, તેમની પાસેથી કોઈ પણ પ્રકારની લેઈટ ફી વસૂલવામાં નહીં આવે. જો કે, જો બીજીવાર ફિટનેસ કરાવવામાં વિલંબ થશે, તો નિયમ મુજબ રોજના 50 રૂપિયા લેઈટ ફી ચૂકવવી પડશે.

બીજી તરફ, કેન્દ્ર સરકાર દ્વારા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની ફીમાં મોટો આર્થિક બોજો ઝીંકવામાં આવ્યો છે. નવી ફી રચના મુજબ, ટુ-વ્હીલરની ફિટનેસ ફી 1200 રૂપિયાથી વધારીને સીધી 2500 રૂપિયા કરી દેવામાં આવી છે.

જ્યારે ખાનગી કારની ફિટનેસ ફીમાં તો જબરો ઉછાળો આવ્યો છે, જે 5200 રૂપિયાથી વધારીને સીધી 13,500 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. સરકારના આ આકરા નિર્ણયને પગલે સામાન્ય અને મધ્યમ વર્ગના વાહન ચાલકોના બજેટ ખોરવાઈ ગયા છે.

નવા નિયમો અનુસાર, કોઈપણ વાહનની ખરીદીના 15 વર્ષ પૂર્ણ થયા બાદ તેનું ફિટનેસ સર્ટિફિકેટ લેવું કાયદાકીય રીતે ફરજિયાત રહેશે. આ 15 વર્ષના ગાળા બાદ, દર 5 વર્ષે વાહનનું રી-ફિટનેસ કરાવવું પડશે. એટલું જ નહીં, 20 વર્ષ જૂના વાહનો માટે ફીનો દર અત્યંત આકરો રાખવામાં આવ્યો છે.

20 વર્ષ જૂના ટુ-વ્હીલર માટે 5500 રૂપિયા ફિટનેસ ફી વસૂલવામાં આવશે, જ્યારે 20 વર્ષ જૂની કાર અને ટ્રેક્ટરની ફિટનેસ ફી વધારીને 27,000 રૂપિયા જેવી તોતિંગ રકમ કરી દેવામાં આવી છે. આ તોતિંગ ફી વધારા અને નવી કડક જોગવાઈઓને કારણે સમગ્ર રાજ્યના વાહન માલિકો અને એસોસિએશનોમાં ભારે રોષ અને નારાજગી ફેલાઈ ગઈ છે.

(12:09 PM IST)