News of Sunday, 14th June 2026
આરટીઓનું ‘સારથી પોર્ટલ’ ઠપ થતાં હાહાકાર: વિદેશ જનારા હજારો અરજદારોના લાયસન્સ અટવાયા
ગુજરાતભરની કચેરીઓમાં ફાઈલોનો ખડકલો અને અરજીઓનો ભરાવો: દસ્તાવેજો અપલોડ કર્યા છતાં સિસ્ટમમાંથી ગાયબ થતાં વ્યાપક રોષ

અમદાવાદ, : રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા સંચાલિત ઓનલાઈન ‘સારથી પોર્ટલ’માં અચાનક સર્જાયેલી મોટી ટેક્નિકલ ખામીને કારણે ગુજરાતભરની RTO કચેરીઓમાં લર્નિંગ અને પાકા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના લીધે ખાસ કરીને વિદેશ જવા ઈચ્છતા અને લાયસન્સ રિન્યૂ કરાવવા માંગતા હજારો નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.મળતી માહિતી મુજબ, લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂઅલ, ડુપ્લિકેટ લાયસન્સ તેમજ અન્ય ઓનલાઈન પ્રક્રિયાઓમાં અવરોધ ઉભો થયો છે. ખાસ કરીને વર્ષ 2010 પહેલાં જારી થયેલા ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યૂઅલ માટે અરજદારોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્નિકલ ખામીને કારણે વિદેશ જવા માટે તાત્કાલિક લાયસન્સની જરૂરિયાત ધરાવતા અરજદારોના કામ પણ અટવાઈ ગયા છે. અનેક અરજદારોએ જણાવ્યું હતું કે જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા હોવા છતાં પોર્ટલ પર તે દર્શાવતા નથી, જેના કારણે અરજીની પ્રક્રિયા આગળ વધી શકતી નથી.રાજ્યભરની RTO કચેરીઓમાં પોર્ટલ લાંબા સમયથી અસરગ્રસ્ત રહેતાં હજારો અરજીઓ પેન્ડિંગ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર समस्याના નિરાકરણ માટે ટેક્નિકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે સેવા પુનઃસ્થાપિત થઈ શકી નથી. વારંવાર સર્જાતી ટેક્નિકલ ખામીઓના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ પોર્ટલની કામગીરી વધુ સ્થિર અને વિશ્વસનીય બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે, જેથી સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ માટે અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.નોંધનીય છે કે ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત આરટીઓની મોટાભાગની સેવાઓ ફેસલેસ (ઓનલાઈન) કરવામાં આવી છે, પરંતુ વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યાને કારણે આ સિસ્ટમ નબળી સાબિત થઈ રહી છે. હાલની ગંભીર સ્થિતિને જોતા વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના ટેક્નિકલ એક્સપર્ટ્સ સાથે ઈમરજન્સી બેઠક યોજવામાં આવી છે, અને આગામી ૨૪ થી ૪૮ કલાકમાં નવું ક્લાઉડ સર્વર અપગ્રેડ કરીને પ્રક્રિયાને રાબેતા મુજબ શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાઈ રહ્યા છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
