<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

નર્મદાના ડેડીયાપાડામાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ સાગબારા જંગલ જમીનનો મુદ્દો ફરી ગરમાયો:જિલ્લામાં હજુ 8 હજાર દાવા પેન્ડિંગ

500 ખેડૂતોને સનદ અને 626 ખેડૂતોની મહેસૂલી એન્ટ્રી કરાઈ : સાંસદ મનસુખભાઈ વસાવાએ બાકી ખેડૂતોને હકપત્રો અપાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી .

નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સાગબારા જંગલ જમીનનો વર્ષો જૂનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો. જંગલ જમીનના હકપત્રો અને મહેસૂલી એન્ટ્રીને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. એક તરફ કેટલાક ખેડૂતોને વર્ષો બાદ જમીનના હક મળતાં ખુશી જોવા મળી હતી, તો બીજી તરફ હજુ પણ અનેક ખેડૂતો પોતાના અધિકારથી વંચિત હોવાથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

 

મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લામાં આજે અંદાજે 500 જેટલા ખેડૂતોને જંગલ જમીનના સનદ આપવામાં આવી હતી. આ ઉપરાંત 626 ખેડૂતોની જમીનની મહેસૂલી એન્ટ્રી અગાઉ થઈ શકી નહોતી, તેમની જમીનની એન્ટ્રી પણ કરવામાં આવી હતી. લાંબા સમયથી જમીનના હક માટે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ નિર્ણય રાહતરૂપ બન્યો છે. જોકે, આ પ્રક્રિયા બાદ પણ તમામ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી.

 

 

નર્મદા જિલ્લામાં જંગલ જમીનના અંદાજે 8 હજાર દાવા હજુ પણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ઉમરપાડા વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને માત્ર 15 સનદ જ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પરિણામે અનેક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા હોવા છતાં હકપત્રો ન મળતાં ખેડૂતોમાં અસંતોષ યથાવત્ છે.

 

 

જંગલ જમીનના હકથી વંચિત રહેલા ખેડૂતો હવે પોતાના અધિકારો માટે ફરી આંદોલનનું રણશિંગું ફૂંકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે સાગબારા જંગલ જમીનનો વર્ષો જૂનો વિવાદ ફરી ગરમાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

 

આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, બાકી રહેલા તમામ ખેડૂતોને જંગલ જમીનના હકપત્રો મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આમ, ડેડીયાપાડામાં બિરસા મુંડાની જન્મજયંતિના કાર્યક્રમમાં કેટલાક ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, પરંતુ હજારો ખેડૂતોના બાકી દાવાઓને લઈને સવાલો હજુ પણ યથાવત્ છે. હવે આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે અને બાકી ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે તેના પર સૌની નજર રહેશે.

(8:40 PM IST)