<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2003માં વાવેલું બીજ આજે શિક્ષણ ક્રાંતિનું વિશાળ વટવૃક્ષ બન્યું : 23 વર્ષમાં ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર પૂર્ણ પરિવર્તનની દિશામાં : ભુપેન્દ્રભાઈ પટેલ

ગુણોત્સવ 2.0, નમો લક્ષ્મી યોજના અને AI આધારિત ગુજરાત વિદ્યા સમીક્ષા કેન્દ્રથી શિક્ષણની ગુણવત્તા અને સમાવેશકતા વધી, 326 કરોડની સામાજિક સહભાગિતા સાથે 75 હજારથી વધુ લોકો જોડાયા

ગાંધીનગર, તા. 23  : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા આજે 23 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહી છે. એક બાળકનો શાળામાં પ્રથમ પ્રવેશ સામાન્ય ઘટના લાગે, પરંતુ તેમાં સમગ્ર સમાજ અને પરિવારનું ભવિષ્ય સમાયેલું હોય છે તેવી દૂરંદેશી વિચારસરણીથી આ અભિયાનનો પ્રારંભ થયો હતો.

 

2003માં જ્યારે આ અભિયાનનો પાયો નંખાયો ત્યારે રાજ્યમાં ડ્રોપઆઉટ દર 37 ટકા હતો. શિક્ષણક્ષેત્રે પડકારો વચ્ચે શરૂ થયેલી આ પહેલથી આજે શિક્ષણ માત્ર સરકારનો વિષય નહીં પરંતુ સમગ્ર સમાજનો સંકલ્પ બન્યો છે. આ વિચારથી જ શાળા પ્રવેશોત્સવ ઘરે ઘરે પહોંચ્યો અને માતા-પિતા દીકરીઓને શાળાએ મોકલવા માટે ઉત્સુક બન્યા છે.

 

છેલ્લા 23 વર્ષમાં આ અભિયાનની સફળતાએ શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આણ્યું છે. રાજ્ય સરકારે દીકરીઓના સશક્તિકરણ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે, જેમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને 50 હજાર સુધીની આર્થિક સહાય મળે છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ 11-12ના વિદ્યાર્થીઓને વર્ષે 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે.

 

ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુણોત્સવ 2.0 અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ એસક્યુએફ અંતર્ગત 217 માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યમાં 5+3+3+4 શૈક્ષણિક માળખું અમલમાં મુકાયું છે. બાળવાટિકાથી સાર્વત્રિક અમલીકરણ સુનિશ્ચિત કરાયું છે.

 

ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. ડિજિટલ રજીસ્ટર, જન્મ નોંધણી સિસ્ટમ અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી બાળકોની પ્રત્યેક હાજરી મોનિટર થાય છે. ગુજરાત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત શૈક્ષણિક મોનિટરિંગ સિસ્ટમ છે. AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ સંભવિત રીતે શાળા છોડવાનું જોખમ ધરાવતા બાળકોને અગાઉથી ઓળખી સમયસર માર્ગદર્શન આપે છે.

 

છેલ્લા 23 વર્ષમાં જનતા અને વિવિધ સંસ્થાઓ દ્વારા શાળાઓને 326 કરોડથી વધુની સામાજિક સહભાગિતા મળી છે. 75 હજારથી વધુ લોકોએ ભાગીદારી નોંધાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે જો આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું હોય તો બાળકોના સપનાઓને બળ આપવું પડશે. શાળા પ્રવેશોત્સવ માત્ર નામ નોંધણીનો કાર્યક્રમ ન રહેતા સમાજ જાગૃતિ અને ચેતનાનું પરિવર્તન બની ગયો છે.

 

આજે દીકરીઓ ઉચ્ચ શિક્ષણની ઊંચાઈઓ સર કરી રહી છે. વડાપ્રધાન મોદીની વિચારસરણીએ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે નવો અધ્યાય લખ્યો છે.

 

(4:43 PM IST)