<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

NEET UG ની રિ-એક્ઝામ પહેલા દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક : અમદાવાદ સહિત ગુજરાત અને અનેક રાજ્યોમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ મોક ડ્રિલ : ઉમેદવારો માટે બસ મુસાફરી મફત અને ગેરરીતિ રોકવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ

વિદ્યાર્થીઓની સુવિધા અને પરીક્ષાની પારદર્શિતા જાળવવા તંત્ર એક્ટિવ; પરીક્ષા કેન્દ્રોની આસપાસ 144 કલમ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત : મેટલ ડિટેક્ટર અને CCTV સર્વેલન્સ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ પર સખત નજર

નવી દિલ્હી તા.૨૦ : NEET UG ની રિ-એક્ઝામ પહેલા દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પેપર લીક અને ગેરરીતિના મામલા બાદ આ વખતે પરીક્ષાને લઈને તંત્ર સજ્જ છે. અમદાવાદ સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

કેટલાક શહેરોમાં પરીક્ષા કેન્દ્રોની આસપાસ મોક ડ્રિલ કરવામાં આવી રહી છે જેથી પરીક્ષાના દિવસે કોઈ અવરોધ ન સર્જાય. ટ્રાફિક વ્યવસ્થા, મેટલ ડિટેક્ટર, CCTV સર્વેલન્સ અને ફ્રિસ્કિંગની વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે. ઉમેદવારોને સમયસર કેન્દ્ર પર પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે કેટલાક રાજ્યો અને શહેરોમાં પરીક્ષાર્થીઓ માટે બસ મુસાફરી મફત રાખવામાં આવી છે.

 

અમદાવાદમાં પણ પોલીસ કમિશનરની સૂચના મુજબ તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસની ટીમો રૂટ માર્ચ કરી રહી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યો છે જેથી કોઈ ફરિયાદ તાત્કાલિક પહોંચે.

 

શિક્ષણ વિભાગ અને NTA દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ કે કોઈપણ પ્રકારની ગેરરીતિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારોને સમય કરતાં વહેલા પહોંચવા અને એડમિટ કાર્ડ સાથે જરૂરી દસ્તાવેજ લાવવા સૂચના અપાઈ છે.

 

આ વખતે પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે દેશભરમાં તંત્ર એલર્ટ મોડમાં છે.

 

(1:51 PM IST)