News of Saturday, 4th July 2026
અમદાવાદ સીપી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ સિનિયર IPS અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં : રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત સ્કીમ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે કરી વિસ્તૃત સમીક્ષા
1997 બેચના અનુપમસિંહ ગેહલોતે જી. એસ. મલ્લિક પાસેથી લીધો ચાર્જ : ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના ખબરઅંતર પૂછી 'ગેટ વેલ સૂન'ની શુભેચ્છા પાઠવી, જ્યારે જોઈન્ટ સીપી નીરજ બડગુજ્જર અને જયપાલસિંહ રાઠોડ સાથે સુરક્ષા પ્લાન અંગે કરી ચર્ચા

રાજકોટ: રાજ્યના સૌથી મોટા પોલીસ કમિશ્નરેટ એવા અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તરીકે ૧૯૯૭ બેચના સિનિયર આઈપીએસ (IPS) અનુપમસિંહ ગેહલોતે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. સુરતના ઇતિહાસમાં કદી ન મળ્યું હોય તેવા અત્યંત ભવ્ય વિદાયમાન સાથે અમદાવાદ પહોંચેલા અનુપમસિંહ ગેહલોતે ચાર્જ લેતાની સાથે જ આગામી સમયમાં યોજાનારી જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને એક્શન પ્લાન શરૂ કરી દીધો છે. સીબીઆઈ (CBI) બેકગ્રાઉન્ડ અને સ્વચ્છ છબી ધરાવતા સિનિયર આઈપીએસ જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક (જી. એસ. મલ્લિક) રાજ્યના મુખ્ય પોલીસ વડા (DGP) બનતા અમદાવાદ સીપીનો ચાર્જ તેમની પાસે યથાવત હતો. રાજ્ય સરકાર દ્વારા અંદાજે ત્રણ વર્ષ પહેલા જ અનુપમસિંહ ગેહલોતને અમદાવાદ સીપી બનાવવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ કેન્દ્ર સરકારની ચોક્કસ રણનીતિ અંતર્ગત તે મુલતવી રખાયો હતો. આખરે તે નિર્ણયનો અમલ કરી ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રથયાત્રાના ગણતરીના દિવસો પહેલા જ સિંગલ ઓર્ડર કરીને આ નિમણૂક કરવામાં આવી છે.
જી. એસ. મલ્લિક પાસેથી મેળવ્યા રથયાત્રાના લેટેસ્ટ અપડેટ:
નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ પૂર્વ સીપી અને વર્તમાન રાજ્યના મુખ્ય પોલીસ વડા જી. એસ. મલ્લિક સાથે મુલાકાત કરીને રથયાત્રા સંદર્ભે અત્યાર સુધીની તૈયારીઓની લેટેસ્ટ અપડેટ મેળવી હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરીને તેમની શુભેચ્છાઓ સ્વીકારી હતી.
ઇજાગ્રસ્ત ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના ખબરઅંતર પૂછ્યા:
અમદાવાદ સીપીએ ચાર્જ લીધા બાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્તમાન સમયમાં ચાલી રહેલી તમામ મહત્વની કાર્યવાહીઓની ઝીણવટભરી જાણકારી મેળવી હતી. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચના વડા શરદ સિંઘલ પર થોડા સમય પહેલા થયેલા હુમલા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી અને વરિષ્ઠ અધિકારી શરદ સિંઘલને 'ગેટ વેલ સૂન' કહીને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
નીરજ બડગુજ્જર અને જયપાલસિંહ રાઠોડ સાથે બંદોબસ્ત અંગે મંથન:
રથયાત્રાના સંવેદનશીલ રૂટ અને કાયદો વ્યવસ્થા અંગે સેક્ટર-૧ ના વડા જોઈન્ટ સીપી નીરજ બડગુજ્જર સાથે તેમના દ્વારા કરાયેલા ફૂટ પેટ્રોલિંગ દરમિયાનની વાસ્તવિક સ્થિતિ જાણી હતી. રથયાત્રા પૂર્વે યોજાયેલા 'એકતાના રંગ અનેક' કાર્યક્રમ અંતર્ગત હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવેલા સફળ રક્તદાન બદલ તેમણે અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ સેક્ટર-૨ ના વડા જોઈન્ટ સીપી જયપાલસિંહ રાઠોડ પાસેથી પણ રથયાત્રાના બંદોબસ્ત સંદર્ભે જરૂરી વિગતો મેળવીને ચર્ચા કરી હતી.
સ્પેશિયલ બ્રાન્ચના અનુભવી અધિકારીઓ સાથે ચર્ચા'
અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દર વર્ષે એક ચોક્કસ બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવામાં આવે છે. નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે આ વર્ષની રથયાત્રા બંદોબસ્ત સ્કીમ તૈયાર કરનારા સ્પેશિયલ બ્રાન્ચના તમામ અનુભવી અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી હતી અને તેમની પાસેથી સુરક્ષા પ્લાનિંગના એક-એક પાસાની ઝીણવટભરી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
