<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ગુજરાતના રાજકારણમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ની સનસનાટીભરી એન્ટ્રી, સોશિયલ મીડિયાની GenZ ક્રાંતિને જમીની સ્વરૂપ આપવા યુવા એક્ટિવિસ્ટ મનીષ બ્રહ્મભટ્ટ બનશે રાજ્યના ચહેરા

CJIની કથિત ‘કોકરોચ-પેરાસાઇટ’ ટિપ્પણી બાદ 16 મેના રોજ જન્મેલી ડિજિટલ પાર્ટીએ માત્ર 5 દિવસમાં ઈન્સ્ટાગ્રામ પર 15.1 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પછાડ્યું, 72 કલાકમાં 70 હજાર સભ્યો અને 3 દિવસમાં 1 લાખથી વધુ યુવાનો જોડાયા

અમદાવાદ તા.૨૫ :  સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ છવાઈ ગયેલી અને યુવાનોના અસંતોષનો અવાજ બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ CJPની હવે ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મૂળ વતની અને હાલ બોસ્ટનમાં સ્થાયી થયેલા અભિજીત દીપકે દ્વારા સ્થાપિત આ ડિજિટલ આંદોલન હવે ગુજરાતના GenZ યુવાનોને એક મંચ પર લાવી સિસ્ટમ સામે સવાલ ઉઠાવવા સક્રિય થયું છે. ગુજરાતમાં આ પાર્ટીની ચળવળનું નેતૃત્વ યુવા એક્ટિવિસ્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મનીષ બ્રહ્મભટ્ટ સંભાળશે.

 

આ સમગ્ર મુદ્દાની શરૂઆત ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક કથિત ટિપ્પણી બાદ થઈ હતી. તેમના પર આરોપ લગાવાયો કે તેમણે કોર્ટની સુનાવણી દરમિયાન પત્રકારિતા, કાયદા અને RTI એક્ટિવિઝમમાં જોડાયેલા બેરોજગાર યુવાનોની તુલના ‘કોકરોચ’ અને ‘પેરાસાઇટ’ સાથે કરી હતી. જોકે બાદમાં CJIએ સ્પષ્ટતા આપી હતી કે તેમના નિવેદનને સંદર્ભ વગર અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સુધીમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો અને આ વિવાદના માત્ર એક દિવસ બાદ 16 મે 2026ના રોજ અભિજીત દીપકેએ વ્યંગ્યાત્મક રીતે ‘કોકરોચ જનતા પાર્ટી’ની સ્થાપનાની જાહેરાત કરી દીધી.

 

મજાક અને મીમ તરીકે શરૂ થયેલી આ પાર્ટીએ સોશિયલ મીડિયા પર ઈતિહાસ રચી દીધો છે. માત્ર પાંચ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર 15.1 મિલિયન ફોલોઅર્સ મેળવી તેણે ભાજપના સત્તાવાર એકાઉન્ટના 8.7 મિલિયન ફોલોઅર્સને પાછળ છોડી દીધા. X પર પણ 38 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. લોન્ચ થયા પછી માત્ર ત્રણ દિવસમાં જ લગભગ 1 લાખથી વધુ યુવાનો આ પાર્ટી સાથે જોડાઈ ગયા છે. પહેલા 72 કલાકમાં જ 70 હજાર સભ્ય બન્યા હોવાના આંકડા સામે આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર CJP સાથે જોડાયેલા પેજ અને કન્ટેન્ટને 40 લાખથી વધુ લોકો ફોલો કરી રહ્યા છે.

 

કોકરોચ જનતા પાર્ટી પોતાને ‘યુવાનો દ્વારા, યુવાનો માટે અને યુવાનોનું રાજકીય મંચ’ તરીકે રજૂ કરે છે. પાર્ટીનો નારો “સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક, લેઝી” છે, જે એક તરફ રાજકીય વ્યંગ્ય દર્શાવે છે અને બીજી તરફ યુવાનોની નિરાશા તથા ગુસ્સાને પણ રજૂ કરે છે. પાર્ટીમાં જોડાવા માટે હાસ્યાસ્પદ શરતો રાખવામાં આવી છે: સભ્ય બેરોજગાર હોવો જોઈએ, આળસુ હોવો જોઈએ, આખો દિવસ ઓનલાઈન રહેતો હોવો જોઈએ અને પ્રોફેશનલ રીતે ફરિયાદ કરવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. પાર્ટીએ પોતાનો વ્યંગાત્મક મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો છે જેમાં તમામ સ્તરે મહિલાઓને 50 ટકા અનામત આપવાની અને કોઈ પણ નિવૃત્ત CJIને રાજ્યસભામાં નહીં મોકલવાની વાત મુખ્ય છે.

 

પાર્ટી પાસે કોઈ સત્તાવાર ઓફિસ નથી, બેંક બેલેન્સ નથી, ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી અને ચૂંટણી પંચમાં નોંધાયેલ કોઈ ચૂંટણી પ્રતીક પણ નથી. તેમ છતાં તે Gen Z વચ્ચે ડિજિટલ આંદોલન બની ચૂકી છે. આજની પેઢી બેરોજગારી, વધતી સ્પર્ધા, પરીક્ષાઓમાં ગેરરીતિ, સિસ્ટમ પ્રત્યેની નિરાશા અને અંધકારમય ભવિષ્યને લઈને ચિંતા જેવી બાબતો પર સોશિયલ મીડિયા દ્વારા ખુલ્લેઆમ લાગણીઓ વ્યક્ત કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને પૂર્વ ક્રિકેટર તથા કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદ જેવા દિગ્ગજોએ પણ પાર્ટીમાં જોડાવામાં રસ દાખવ્યો છે.

 

ગુજરાતમાં આ ચળવળનું નેતૃત્વ સંભાળનાર મનીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે CJP કોઈ સત્તાવાર રાજકીય પાર્ટી નથી, પરંતુ તે લાખો યુવાનોની હતાશાનું પ્રતીક છે. “જ્યારે પરંપરાગત મંચો પર યુવાનોની વાત સાંભળવામાં આવતી નથી, જ્યારે મોંઘવારી, પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દે કોઈ નક્કર જવાબ મળતો નથી, ત્યારે સોશિયલ મીડિયા જ અમારો અવાજ છે. અમે કોકરોચ છીએ, અમે મરતા નથી, અમે દરેક તિરાડમાંથી બહાર આવીશું,” એમ તેમણે કહ્યું. ગુજરાતમાં CJPનું ફોકસ યુનિવર્સિટી કેમ્પસ, IT હબ અને બેરોજગાર યુવા સમૂહો પર રહેશે.

 

નોંધનીય છે કે આ મુદ્દો એટલો વકર્યો કે ભારતમાં પાર્ટીનું જૂનું X એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ નવું એકાઉન્ટ બનાવીને ફાઉન્ડરે લખ્યું કે “કોકરોચ મરતા નથી, અમે પાછા આવી ગયા”. ફાઉન્ડર અભિજીતે આરોપ લગાવ્યો કે પાર્ટીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરવાની કોશિશ થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે ડિજિટલ યુગમાં એક ટિપ્પણી કેવી રીતે રાષ્ટ્રવ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ શકે છે.

 

GenZની આ ડિજિટલ ક્રાંતિ હવે ગુજરાતના રાજકીય સમીકરણોમાં શું અસર ઉભી કરે છે અને તે માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત રહે છે કે જમીની આંદોલનનું સ્વરૂપ લે છે તે જોવું અત્યંત રસપ્રદ રહેશે.

(3:45 PM IST)