<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સુરતના જાણીતા ડુમ્મસ બીચ, સુવાલી બીચ તેમજ સી-ફેઝ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જનસામાન્યની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ

સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નાગરિકોની જાનમાલની સુરક્ષા માટે સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરે જાહેરનામું બહાર પાડ્યું

સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નાગરિકોની જાનમાલની સુરક્ષા માટે સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરે જાહેરનામું બહાર પાડ્યું છે.  સુરત શહેરના દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના ન સર્જાય તે હેતુસર તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.

હવામાન વિભાગની ચેતવણીને પગલે સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીરે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને આગામી 31 જુલાઈ, 2026સુધી સુરતના લોકપ્રિય દરિયાકાંઠાઓ પર જનસામાન્યની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ જાહેરનામા મુજબ સુરતના જાણીતા ડુમ્મસ બીચ, સુવાલી બીચ તેમજ સી-ફેઝ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સામાન્ય નાગરિકો અને સહેલાણીઓના ફરવા જવા પર તેમજ દરિયાના તોફાની પાણીમાં ઉતરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી નાગરિકોની સુરક્ષા સર્વોપરી ગણીને આ ડ્રાસ્ટિક પગલું લેવામાં આવ્યું છે.

જોકે, આ જાહેરનામાના અમલ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા સરકારી તથા અર્ધસરકારી ફરજ પરના કર્મચારીઓ કે અધિકારીઓને આ હુકમમાંથી વિશેષ મુક્તિ આપવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે કે નિયમોની અવગણના કરીને દરિયાકાંઠાના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરશે, તો તેની સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડકથી કડક દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ આપત્તિજનક સમયમાં વહીવટી તંત્રને સહકાર આપે અને સુરક્ષિત રહે

(8:23 PM IST)