News of Sunday, 17th May 2026
તાપીના નિઝરમાં હથોડા પુલ નજીક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત :પાંચ વર્ષના બાળક સહિત બેના મોત
ભીષણ અકસ્માતમાં બાઇક સવાર કાકા-ભત્રીજાના કમકમાટીભર્યા મોત :સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું

તાપીના નિઝર વિસ્તારમાં આવેલા હથોડા પુલ નજીક વાંકા ગામ પાસે એક કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ ભીષણ અકસ્માતમાં બાઇક સવાર કાકા-ભત્રીજાના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં જાન ગુમાવનાર કમનસીબ કાકા-ભત્રીજાની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવકનું નામ જયપાલ છે, જેની સાથે તેના માત્ર 5 વર્ષના માસૂમ ભત્રીજાનું પણ આ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઉપરાંત, અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કારચાલક અને કારમાં સવાર એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત કારચાલક અને મહિલાની ગંભીર સ્થિતિને જોતા, તેમને વધુ અને તાત્કાલિક સારવાર માટે નજીકના મહારાષ્ટ્ર રાજ્યની નંદુરબાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસે આ અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
