તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 29th May 2026
જંબુસરના ગજેરા રોડ પર ટ્રેક્ટર અને વાન વચ્ચે ગંભીર અકસ્માત: વાનચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત
ટક્કર એટલી જોરદાર હતી કે વાન ગાડીના પતરાં ફાટી ગયા હતા અને ગાડીના ચીથડા ઉડી ગયા

જંબુસર-ગજેરા રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેક્ટર અને વાન ગાડી વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક 22 વર્ષીય આશાસ્પદ મુસ્લિમ યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે, વાન ગાડીના પતરાં ફાટી ગયા હતા અને ગાડીના ચીથડા ઉડી ગયા હતા.
ઘટનાની મળતી માહિતી અનુસાર, જંબુસરથી ગજેરા તરફ જતા માર્ગ પર એક પેસેન્જર વાન ગાડી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટ્રેક્ટરે વાન ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર જંબુસરના ડાભા ગામના રહેવાસી સાબિર ઉસ્માન મલેક (ઉંમર વર્ષ 22) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો અને ડાભા ગામના સરપંચ સબ્બીર આલમ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને વાનમાં ફસાયેલા અન્ય મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં અન્ય કેટલાક લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સર્જ્યા બાદ ટ્રેક્ટરનો ચાલક પોલીસ કે લોકોના હાથે પકડાઈ જવાના ડરથી પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતક યુવકના શવને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ફરાર ટ્રેક્ટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. યુવાન દીકરાના મોતના પગલે ડાભા ગામમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
